મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. આજે ૯.૭૦ મીટર સુધી ડેમના ૨૩ દરવાજા ખોલી પાણી છોડાયું છે. ડેમમાંથી ૧૮ લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ નર્મદાનાં નીરના વધામણાં કર્યા હતા. આ પ્રસંગે તેઓએ કહ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. વૈશ્વિક નેતા અને આપણા સૌના લાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. આજે નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની ક્ષમતા સાથે છલકાયો છે. આજે નરેન્દ્રભાઈની દીઘદ્રર્ષ્ટિ અને ઈચ્છાશક્તિને કારણે નર્મદા ડેમની તાકાત વધી. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ૩૧ ફૂટ પહોંચી છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અલર્ટ પર મૂકાયા છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાને અસર થવાની ભીતિ છે.
પૂરની સ્થિતિ ઉભી થતાં કલેક્ટરોને સાવચેત કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી ૧૮ લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દાહોદ અને વડોદરાના કરનાલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અલર્ટ કરાયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. કરજણ ના નર્મદા કાંઠા વિસ્તારના એલર્ટ કરાયેલા ગામો પૈકી કેટલાક ગામોમાંથી ૫૦૦ થી વધુ લોકોના સ્થળાંતર કરાયા છે. કરજણ SDM આશિષ મિયાત્રા સહિત તંત્ર, કરજણ પી.આઈ.ભરવાડ સહિત ની પોલીસ ટીમ સ્થળાંતર કરાવવાના કામે લાગી છે.