આજે હું તમને થાઈલેન્ડ ના અન્ય સ્થળોની ઉડતી ઝલક આપીશ. ઉત્તર થાઈલેન્ડ માં આવેલું ચીંગ માઈ શહેર બજેટ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ છે. ત્યાં તમને દુનિયાભરના લોકો જોવા મળે છે. જે લોકો એક કે બે મહિના માટે થાઈલેન્ડ આવતા હોય તેઓ ચીંગ માઈ માં નાના એપાર્ટમેન્ટ ભાડે લઈને રહે છે. જેથી હોટલ કરતા ઓછા ખર્ચમાં રહી શકાય. આ શહેર પર્વતીય પ્રદેશમાં આવેલું છે. 1296 માં આ શહેરનું નિર્માણ થયું હતું. આજે પણ ત્યાંના જુના શહેર વિસ્તારમાં બુદ્ધ સ્તુપો,‘WAT RONG KHUN’ મંદિરની કારીગીરી. જૂની બાંધણીના ઘર તથા અનેક અવશેષો પણ જોવા મળે છે. સ્તુપો અતિ ભવ્ય અને સુંદર છે.
જયારે શહેરના બહારના ભાગમાં NIMMANHAEMIN ROAD અતિ આધુનિક ગેલેરી, બુટીક,કાફે, રેસ્ટોરાંથી ઉભરાય છે. અહીની રેસ્ટોરન્ટ કે જેમાં સ્થાનિક વાનગીઓ પીરસાય છે. તો અમુક જગ્યાએ નીચા ટેબલની બેઠક બનાવી થાઈ સંગીત સાથે થાઈ વાનગીઓની મજા પણ માણવા મળે છે. રાત્રી બજારની ખાસિયત અહીં પણ જોવા મળે છે. સુંદર હેન્ડીક્રાફ્ટ જેમાં અન્ય વસ્તુઓની સાથે સિલ્કના કપડાં,અરે ચાંદીના વાસણો પણ આ ઓપન એર રાત્રી બજારોમાં વેચતા જોવા મળે છે. સ્વાભાવિક છે કે પર્વતીય પ્રદેશ હોવાથી ટ્રેકિંગ કરવા ઘણા નવજવાનો આવે છે. અહીં ચાલતા હાથીને અપાતી ટ્રેઈનીંગ ના કેમ્પસ પણ છે. તો મિત્રો, થાઈલેન્ડનો આ ઉત્તરનો ભાગ કઈ ઓછો આકર્ષક નથી. આ પ્રદેશની એકવાર મુલાકાત જરૂર કરવા જેવી છે.
થાઈલેન્ડના પૂર્વ કિનારે આવેલ ‘પટ્ટાયા’ થી તો ઘણા લોકો પરિચિત હશે. આ દરિયા કિનારો તમને વિવિધ પ્રકારના આકર્ષણોથી ઉભરતો લાગશે. પૌરાણિક થાઈ સંસ્કૃતિથી લઈને અત્યાધુનિક મોડર્ન એડવેન્ચર સુધીની તમામ પ્રવૃત્તિ મળી રહે છે. દેશની સૌથી વધારે જીવંત સ્ટ્રીટ પાર્ટી, કુદરતી સૌન્દર્ય, કલાકારીગીરી, વિજ્ઞાન અને સંસ્કૃતિક તહેવારો. તો બીજી બાજુ વરસાદી જંગલોમાં કેનોપી, ટ્રેકિંગ,TIFFANY CABARET નૃત્યની ગ્લેમર. આમ દરેક પ્રકારના લોકો માટે કૈક ને કૈક આકર્ષણ મળી રહે છે. આ ઉપરાંત પટ્ટાયા બીચ રોડ ના અંતમાં 500 મીટર માં અનેક આકર્ષણો છે. અનુભવ કરવા જેવો છે. તો 2.5 ચો.કી.મી. માં ફેલાયેલો વિશાળ ટ્રોપિકલ બગીચો, તરતી માર્કેટ, બીગ બુધ્ધ હીલ અને ઘણું બધું મને લાગે છે થાઈલેન્ડની સંપૂર્ણ મજા માણવી હોય તો ઓછામાં ઓછા એક મહિનાનો સમય લઈને આવવું જોઈએ. વિદ્યાર્થીઓ વેકેશનમાં બેક્પેકીંગ કરીને ઓછા ખર્ચમાં વધારે આનંદ ઉઠાવી શકે. લખવા બેસું તો હજી ઘણું લખી શકાય પણ જાત અનુભવ જેવી મજા ક્યાય નહિ. ચાલો-ચાલો તો પ્લાન બનાવો અને ઉપાડો સવારી. આવતા અંકમાં બીજા દેશની માહિતી આપીશું. કોને ખબર કદાચ તે દેશ તમને વધારે આકર્ષક લાગે.