અમદાવાદઃ શહેરના છારાનગરમાં પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ધર્ષણના મામલે ધરપકડ કરાયેલા ૨૫ લોકોને મોડી રાતે મેજિસ્ટ્રેટના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર કરવામાં આવ્યા હતા. જો કે, તમામ આરોપીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ દ્વારા તેમની પર અમાનવીય અત્યાચાર ગુજારાયો હોવાની ગંભીર ફરિયાદ કરી હતી. જેમાં જોઇન્ટ કમિશનર અશોક યાદવ, સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વીરાણી અને ઇજાગ્રસ્ત પીએસઆઇ ડી.કે.મોરી અને એક મહિલા પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં તેઓને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી.
જો કે, મેજિસ્ટ્રેટે તમામ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. પકડાયેલા આરોપીઓએ તેઓની અટકાયત કર્યા બાદ પણ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ દ્વારા ઢોર માર મારી ભારે અત્યાચાર ગુજારાયો હોવાની ફરિયાદ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાઇ હતી. જેમાં એક આરોપીએ તો ગંભીર આરોપ લગાવ્યો હતો કે, તેની ૧૩ વર્ષની પુત્રી ઉપર પણ પોલીસે દમન-અત્યાચારનો ભોગ બનાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, કુબેરનગર અને છારા નગરમાં ધમધમી રહેલા દારૂ જુગારના અડ્ડા પર દરોડા પાડવા તેમજ પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા સરદારનગર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ પીએસઆઇ ડી.કે.મોરી અને તેમની ટીમ પર શનિ ગારંગે સહિત કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ એક હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ છારા નગરમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું અને લોકોના વાહનોને તોડફોડ કર્યાં હતાં અને છારા સમાજના કેટલાક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લોકોના ઘરમાં ઘૂસીને મહિલાઓ, બાળકો સહિત લોકો પર લાઠીઓ વરસાવી હતી.
આ ઘટનામાં પોલીસે ત્રણ વકીલ, એક સ્ટેજ કલાકાર અને પ્રેસ ફોટોગ્રાફર સહિત ૨૯ લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા તમામ લોકો પર પોલીસે લાઠીચાર્જ કરીને ઢોરમાર માર્યો હતો. ગુરુવારે પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના પગલે છારાનગર અને કુબેરનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. તો બીજી તરફ ઘરપકડ કરાયેલા તમામ લોકોને છોડાવવા માટે સમાજના લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. પોલીસ સ્ટેશનની બહાર ભારે સૂત્રોચાર અને બીભસ્ત ગાળો સાથે તંગદિલીનો માહોલ સર્જયો હતો. પોલીસ બપોરે ત્રણેક વાગ્યા બાદ ધરપકડ કરાયેલા તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
પોલીસે તમામ લોકોને એ હદે માર્યા છે કે જ્યારે તેમને હોસ્પિટલમાં લઇ જવા માટે પોલીસવાનમાં બેસાડ્યા ત્યારે તેઓ સરખી રીતે ચાલી પણ ન હતા શકતા. પોલીસે કરેલા દમનના લીધે કુબેરનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ૨૯ લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પોલીસે એ હદે લોકોનો મોડી રાતે માર્યા હતા તેમના હાથ પગમાં પાટા બાંધવાની નોબત આવી ગઇ હતી.
સિવિલ હોસ્પિટલની સારવાર બાદ ૨૯ પૈકી ૨૫ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે શાહીબાગ પોલીસ સ્ટેડિયમની સામે રહેતા મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરવામાં આવ્યા હતા. મોડી રાતે ૧૧ વાગ્યાથી લઇને વહેલી પરોઢે ચાર વાગ્યા સુધી સુનાવણી ચાલી હતી. તમામ લોકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.વીરાણી, પીએસઆઇ ડી.કે.મોરી અને મહિલા પીએસઆઇ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જા કે, કોર્ટે તમામ આરોપીઓને સાબરમતી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.