અમદાવાદ: શહેરના પ્રખ્યાત સેલિબ્રિટી શેફ આનલ કોટકે રૉબિનહૂડ આર્મી સાથે જોડાઈને શહેરમાંથી ભૂખ ગાયબ કરવાનું બીડું ઝડ્પ્યું છે. ગરીબ બાળકોને શહેરમાં ભૂખ્યા ના સૂવું પડે એ માટે એમણે એક ઝુંબેશ ઉપાડી છે. એમનું કેહવું છે કે, “દેશ ભૂખમરાથી સદીયોથી પીડાઈ રહ્યો છે. યુનાઇટેડ નેશનના એક એહવાલ મુજબ દેશમાં 190 મિલિયન ભારતીય લોકોને ભૂખ્યા જ સૂવું પડે છે. દેશના લાખો રેસ્ટોરંન્ટ, ઢાબાઓ, લગ્નો અને અનેક ખાવાપીવાની જગ્યાઓ પર લાખો ટન ખાવાનો બગાડ થાય છે. હું ભારતની અત્યંત સુંદર વાનગીઓ બનાવતી વખતે પણ જયારે દેશની આ સમસ્યા વિશે વિચારું છું, જયારે મને વિચાર થાય છે કે કેટલાં નાનાં-નાનાં બાળકો ભૂખ્યા સૂઈ જાય છે, ત્યારે મારું હૃદય દ્રવી ઉઠે છે.”
આપણને જાણીને કદાચ નવાઈ લાગશે પણ, દર વર્ષે દુનિયામાં આઠસો મિલિયન લોકો ભૂખને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ કેમ્પેઇનથી શેફ આનલ કોટક રેસ્ટોરંન્ટ અને હોટેલોના માલિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે. દરેક માતાની એક મૂળભૂત ઈચ્છા હોય છે કે તેનું બાળક ભૂખ્યું ના સૂવે, પરંતુ લાખો માતાઓને પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાના બાળકોને ભૂખ્યા સૂવડાવા પડે છે. શેફ એક વિનમ્ર પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યા છે કે શહેરની તમામ રેસ્ટોરંન્ટના માલિકો પોતાની રેસ્ટોરંન્ટમાં બગાડમાં જતું ખાવાનું રોબિનહૂડ આર્મીના સાથથી શહેરના તમામ ભૂખ્યા બાળકો સુધી પહોંચાડે, જેથી શહેરમાં કોઈ ભૂખ્યું ન સૂવે.
રૉબિનહૂડ આર્મી એક સ્વયંસેવક આધારિત ઓર્ગેનાઇઝેશન છે, જે રેસ્ટોરંન્ટોના વધારાના ખાવાને ગરીબ, જરૂરિયાતમમંદ બાળકો સુધી પહોંચાડે છે. આ રીતે ભુખ્યા ગરીબ જરૂરતમંદોની ભુખ મિટાવી તેઓ માનવસમાજને વધુ સુંદર બનાવવાની કોશિશ
કરી રહ્યા છે. વધુને વધુ લોકો આ કાર્યથી પ્રેરણા લઇ આ દિશામાં કાર્ય કરે, જેથી દુનિયામાંથી ભૂખમરો નાબૂદ થઇ જાય – આવા ઉદ્દેશ સાથે તેઓ કાર્ય કરી રહ્યા છે.
શેફ પોતાના બે નવા રેસ્ટોરંન્ટ ની અમદાવાદમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે શરૂઆતથી જ રૉબિનહૂડ આર્મી સાથે એ જોડાઈ ગયા છે, એ ઉદ્દેશ સાથે કે ભારતમાંથી ભૂખમરો નાબૂદ થવો જ જોઈએ. એમનું કેહવું છે કે, “યોગ્ય પોષણનો અભાવ એ એક મૂળભૂત મુદ્દો છે અને આપણા દેશમાં બાળકોના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. રૉબિનહૂડ આર્મી સાથે સંકળાઈને મને ગર્વ છે અને મને આશા છે કે હું આ મુદ્દા માટે ઘણા લોકો સુધી પહોંચી શકું છું. વિકાસશીલ દેશ તરીકે આપણા દેશને માટે અત્યંત જરૂરી છે કે ભૂખમરા જેવી સમસ્યાઓ દેશમાં ન રહે.”
“વિશ્વમાં દર ત્રણ કુપોષણથી ગ્રસિત બાળકોમાંથી એક બાળક ભારતનું છે. ભૂખ એ બાળકોની એકંદર વૃદ્ધિ, શીખવાની ક્ષમતા, શાળામાં જવાનું અને બીજી પેઢીના ગરીબીના દુષ્ટ ચક્રમાંથી બહાર આવવાની તકને અટકાવે છે. આનાથી તે દેશના વિકાસને અટકાવે છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ યોગ્ય બાળકોના જીવનમાં કેટલાક વાસ્તવિક અને કાયમી ફેરફાર લાવવા માટે, મેં અમદાવાદ અને વડોદરાથી આ કાર્ય શરૂ કર્યું છે અને આ શહેરોમાંથી કોઈએ ભુખ્યું ન સૂવું પડે એવી માનતા લીધી છે.”
આવા દ્રષ્ટિકોણ સાથે શેફ આનલ કોટકે રૉબિનહૂડ આર્મી સાથે ઝુંબેશ શરૂ કરી છે અને પોતાના રેસ્ટોરંન્ટમાંથી તો બાકી રહેલ તમામ અન્ન જરૂરિયાતમંદો સુધી પહોંચશે જ એવી પ્રતિજ્ઞા પણ લીધી છે. શેફ અમદાવાદની તમામ રેસ્ટોરંન્ટો ના માલિકોને અપીલ કરે છે કે વધુ ને વધુ રેસ્ટોરંન્ટો અને હોટેલો આ ઝુંબેશમાં જોડાય અને અમદાવાદને “ભૂખ-ફ્રી” બનાવવામાં સહયોગ કરે.
ગુજરાતમાં સૌપ્રથમ ફાઈન ડાઈન, ધ સિક્રેટ કિચન, વડોદરામાં ખોલ્યા બાદ શૅફ આનલ કોટક અમદાવાદમાં બે ફાઈન ડાઈન રેસ્ટોરન્ટ ખોલી રહ્યા છે. એક છે તેમની સફળ અને વિખ્યાત ધ સિક્રેટ કિચન અને બીજી છે, આનલ કોટકની અક્ષદા, જેનો હેતુ વિશ્વમાં ગુજરાતી ફૂડ માટે પ્રવર્તતી માન્યતામાં ફેરફાર કરવાનો છે. શેફના હૃદયમાં આ બાળકો માટે એટલો પ્રેમ છે કે તેમને માટે આ ઝુંબેશ ચલાવવાનું જ નહી પરંતુ તેમણે નિર્ણય કર્યો અને આ તમામ વંચિત બાળકોને તેમણે પોતાના રેસ્ટોરન્ટમાં જમાડયા. એમના રેસ્ટોરંન્ટનું ઉદ્ઘાટન કોઈપણ સેલિબ્રિટી અથવા પ્રસિદ્ધ વ્યક્તિ દ્વારા ન હતું, પરંતુ આ બધાં બાળકોએ રિબનને કાપીને બંન્ને રેસ્ટોરંન્ટનું વિમોચન થયું.