અમદાવાદ : કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વાવની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના ભાભરના તનવાડ ગામે લગ્ન યોજાયા હતા. જ્યાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાત થઈ હતી. બંને નેતાઓની મુલાકાતને લઇ ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. ખાસ કરીને લોકસભા ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો ફરી એકવાર તેજ બની છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી પહેલા અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. તાજેતરમાં તા.૬ઠ્ઠી મેએ શહેરના રાણીપમાં અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું.
તેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ નેતાઓ સાથે અલ્પેશ ઠાકોરની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સાથે જ વાસ્તુ પૂજન કરી ભાજપના નેતાઓની હાજરીમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તેના ગૃહ પ્રવેશ સાથે હવે તેના ભાજપ પ્રવેશનો રસ્તો પણ સાફ થઈ ગયો હોવાનું ચર્ચાએ જાર પકડયું છે. દરમ્યાન હવે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં ભાજપના શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની ઔપચારિક મુલાકાતને લઇ રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. બંનેના એક સાથે બેઠા હોવાના ફોટા વાયરલ થતાં અલ્પેશ ઠાકોર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ જારશોરથી શરૂ થઇ છે.
અગાઉ અલ્પેશ ઠાકોરને મંત્રી પદની ઓફર થઈ હોવાની વાતો વહેતી થઈ હતી, તેવી જ રીતે ફરી અટકળો તેજ થઈ છે કે પરિણામ બાદ વિજય રૂપાણી પરિણામ મંત્રીમંડળનું વિસ્તરણ કરી અલ્પેશનો પણ મંત્રીમંડળમાં કરે તેવી શક્યતા છે. નવા ઘરના વાસ્તુપૂજન સમયે અલ્પેશે જણાવ્યું હતું કે, સીએમ વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી મારા સારા મિત્રો છે. મારા ઘરે નાની પૂજા રાખી હોવાથી મેં પ્રદીપસિંહ અને જીતુભાઈને આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ મારા ઘરે હાજર રહ્યા હોવા અંગે મીડિયા જે અર્થઘટન કાઢવું હોય એ કાઢી શકે છે. ભાજપના બંને નેતાઓ તેના ઘરે હાજર રહ્યા તે બદલ અલ્પેશ ઠાકોરે આભાર પણ વ્યકત ર્ક્યો હતો.