ચાંદખેડા : મહિલા કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

અમદાવાદ :  શહેરના ચાંદખેડા વિસ્તારમાં આઇઓસી રોડ પર રહેતી અને કાલુપુર પોલીસમથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બીજીબાજુ, શહેરના પોલીસ બેડામાં પણ મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાને લઇ ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ચાંદખેડા પોલીસે સમગ્ર બનાવ મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળેથી તપાસ દરમ્યાન મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યા કરતાં પહેલા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી છે અને તેમાં લખાયેલી વિગતોના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

સ્યુસાઇડ નોટમાં મહિલા કોન્સ્ટેબલે તેના ભાઇ અને પરિવારજનોને ઉદ્દેશીને પણ કેટલીક વાતો અને દર્દ લખ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અને ચાંદખેડા વિસ્તારમાં રહેતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. નાની ઉમંરની યુવતી એવી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે તેની સ્યુસાઇડ નોટ કબ્જે કરી તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસે હાલ તો અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી છે. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યું છે. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે. મારા વ્હાલા મમ્મી અને પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને ક્યારેય કોઈ દુઃખ આપતા નથી. મારા ભાઈઓ તો મારો જીવ છે અને મને સમજાવી ક્યારેય દુઃખી કરી નથી. મારો ભાઈ એ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહુ જ હિંમત આપી અને મને આટલી આગળ વધારી. તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યું. મારો ભાઈ હિમાંશુ તારામાં તો ભાઈ બહુ સહન શક્તિ છે એની સામે મારી પાસે તો ઝીરો સહન શક્તિ છે. હું કંઈ જ સહન કરી શક્તિ નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાથી દૂર એક અલગ દુનિયામાં જ્યાં કોઈ જ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક મા જ એવી વ્યક્તિ છે જેને બાળક દરેક સમજાઈ જાય.

મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બધું જ છે. જ્યાં જવું હોય ત્યાં સાથે હોઈએ આપણે મમ્મી. આજે હું દુનિયા આ દુનિયામાંથી દૂર જઈ રહી છું, આનું કારણ મારા ઘરના કોઈ જ નથી કે ના કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્‌યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે. ઘરનું પણ કંઈ થતું નથી છતાં આજે બીજે રહેવું પડે છે. એ લોકોને એમના કરેલની સજા આપી ના શકી, એનો અફસોસ બહુ જ થાય છે. આજે હું એટલી હદે તૂટી ગઈ છું કે બસ હવે મારે જીવવું નથી. મારા મા બાપ માટે કંઈ જ ના કરી શકુ તો આજીવન પણ શું કામનું. અને હા મારા મોટા ભાઈઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું. મમ્મી તું મને જતા પહેલાં એકદમ સરસ તૈયાર કરજે, ભાઈ મારી પસંદગીની વસ્તુ હું મરું પછી બાળકોને વહેંચજે અને મને વડનગરના ઘરે લઈ જજો. ત્યાં મને સુવડાવજો મારા ઘરે સુઈ ગયો બહુ જ સમય થઈ ગયો. મમ્મી મારા માથે હાથે ફેરવજે જેથી મને બહુ જ સારી ઉંઘ આવે તથા માથે અડે એટલે મને બહુ જ શાંતિ થાય છે. પપ્પા હવે પહેલા જેવા ના રહેતા તમને બોલવા વાળી હું જાઉ છું. મમ્મીને હેરાન ના કરતા હો પાછા ઘરના બધાને સાચવજો. ભાઈ હિમાંશું અને જયેશ મમ્મી પપ્પાને સાચવજો હવે એ જવાબદારી તમારી. દિકરી અને દીકરા બન્ને તરીકેની જવબાદરી તમારી છે આજથી. ભાઈઓ મારી ચિંતા ના કરશો. તમારા મેરેજમાં ગમે તે રૂપે આવી જઈશ. કેમ કે મારા વગર નાચશે કોણ, બૂમો કોણ પાડશે અને હા હવે બહુ જ કહી દીધું  કેમ પણ હું છું જ બોલકી ને તો શું કરૂ તો હવે હું જાવ છું. બધા હળી મળીને રહેજો.

આ માટે કોઈ જવાબદાર નથી. હું મારા મનથી જઈ રહી છું

 

 

Share This Article