અમદાવાદ: શહેરમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. તહેવાર દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ અને સલામતીની વાત કરે છે, પરંતુ નવરાત્રી દરમ્યાન શહેરમાં ફાયરિંગથી લઈ મારામારી સુધીના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાતે નવરાત્રીના છેલ્લા દિવસે ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં એક હિસ્ટ્રીશીટરે હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી.
ખાસ કરીને મહિલાઓ અને બાળકો સહિતના સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજી વખત નવરાત્રિની લ્હાણી નહી મળતાં થયેલી બબાલમાં સહદેવ તોમર નામના હિસ્ટ્રીશીટરે હવામાં છ રાઉન્ડ ફાયરીંગ કરી ભારે આંતક મચાવ્યો હતો. બનાવની જાણ થતાં ચાંદખેડા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ગરબામાં લહાણી આપવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર સાથે ઝઘડો કર્યા બાદ હિસ્ટ્રીશીટર સહદેવ તોમરે મિત્ર સાથે આવી ફાયરિંગ કર્યું હતું. જા કે, પોલીસ આવે તે પહેલાં સહદેવ અને તેના મિત્રો નાસી છૂટ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં તુષારભાઈ નાયક તેમના પરિવાર સાથે રહે છે. આ જ ફ્લેટમાં સહદેવ તોમર નામનો યુવાન તેના પરિવાર સાથે રહે છે. ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી ફ્લેટમાં ગરબા ચાલી રહ્યા હતા. આશરે એકાદ વાગ્યે ગરબામાં હાજર લોકોને લહાણીરૂપે એક-એક લંચ બોક્સ આપવામાં આવી રહ્યા હતા. સહદેવ તોમરના પુત્રને પણ એક લંચ બોક્સ આપવામાં આવ્યું હતું, પરંતુ સહદેવના પુત્રએ બીજું લંચ બોક્સ માગ્યું હતું. બીજું લંચ બોક્સ લેવા આવતાં ફ્લેટના કારોબારીના એક સભ્યે તેને લંચ બોક્સ આપવાની ના પાડી દીધી હતી. ના પાડતાં સહદેવ તોમર ત્યાં આવ્યો હતો અને ફ્લેટના સભ્યો સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ સહદેવ ત્યાંથી જતો રહ્યો હતો.
ગરબા અને લહાણી આપ્યા બાદ ફ્લેટના સભ્યો નીચે બેઠા હતા ત્યારે સહદેવ તેના અમિત નામના મિત્ર સાથે ત્યાં આવ્યો હતો. સહદેવે ફ્લેટમાં આવીને હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને લઈ ફ્લેટમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગ કર્યા બાદ સહદેવે તેના પુત્રને લંચ બોક્સ આપવાની ના પાડનાર વ્યક્તિની છાતી પર રિવોલ્વર મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપતાં તુષારભાઈ વચ્ચે પડ્યા હતા. સમજાવટથી તેઓ મામલો થાળે પાડતા હતા ત્યારે ફરીથી સહદેવે ત્યાં હાજર લોકો વચ્ચે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફ્લેટના સભ્યોને ધમકી આપી ફાયરિંગ કર્યા બાદ સહદેવ તેના મિત્ર સાથે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં કુલ છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી ફૂટેલી કારતૂસો મળી આવી હતી, જે પોલીસે કબજે કરી હતી. ગરબામાં લહાણી આપવા બાબતે ઝઘડો, ગાળાગાળી અને ફાયરિંગ કરનાર સહદેવ તોમર મેઘાણીનગર વિસ્તારનો હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સહદેવ તોમર સામે અપહરણ, હત્યા, મારામારી, લૂંટ અને પોલીસ પર હુમલા સહિતના અનેક ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ચાંદખેડા પોલીસે આરોપી સહદેવ તોમર અને તેના મિત્ર અમિત સામે હત્યાના પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.