અમદાવાદ : ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. સામાન્ય રીતે બહેન જ્યારે ભાઇના હાથે રાખડી બાંધે છે અને પોતાના ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે, ત્યારે ભાઇ પોતાની બહેનને તેના બદલામાં તેની રક્ષાનું વચન આપે છે. આ જ પરંપરાની એરણે વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખી પહેલ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.
આ વર્ષે સંસ્થા દ્વારા અનોખી પહેલ અંતર્ગત દિવસ રાત દેશના દરેક નાગરિકના બચાવ અને સુરક્ષા માટે જીવના જોખમે સર્તક રહેતા અગ્નિશામક દળના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જેની ઉજવણી નરોડા ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી.
સુરક્ષાબંધન કાર્યક્રમ અંતર્ગત સંસ્થાની 20 જેટલી બહેનો દ્વારા નરોડા ફાયર સ્ટેશનના 30થી વધુના સ્ટાફને રાખડી બાંધી તેઓના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી. જ્યારે ફાયર ફાઇટરના જવાનોએ બહેનોની સુરક્ષાનું વચન આપ્યું હતુ.
આ પ્રસંગે નરોડા ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર નૈતિક ભટ્ટ દ્વારા ફાયર વિભાગની કામગારી વિશે ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી. અને આપત્તિના સમયે કેવી રીતે સંયમ સાથે વર્તવુ તે વિશે પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત તેઓએ કટોકટીના સમયે ફાયર વ્હિકલ સમયસર ઘટના સ્થળે પહોંચે તે માટે લોકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી.