વડોદરાઃ શિક્ષક એ માત્ર ગુરૂજન નથી પણ બાળકોની સુરક્ષા અને સલામતી માટે સંચિત અને સજાગ વાલી પણ છે. બરાનપુરા ખાતે આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શિક્ષક ગણે આ ઉક્તિને સાચી ઠેરવી છે. તેમણે શાળામાં બાળકોની સલામતીની ખાતરી મળે અને તેઓ સતત નિગરાણી હેઠળ રહે તે માટે શાળાના મેઇન ગેટ, પરસાળો અને બ્લોક્સ જેવા સ્થળોએ આઠ સીસીટીવી કેમેરાનો સેટઅપ ગોઠવ્યો છે.
બાળ સલામતીની ખાતરી આપતી આ વ્યવસ્થા ગોઠવવા શિક્ષકોએ ગાંઠના અંદાજે રૂા. ૮૦ હજારનો ખર્ચ કર્યો છે. તેમણે પુરવાર કર્યું છે. શાળા શરૂ થવાનો ઘંટ વાગે અને શાળા છૂટ્યાનો ઘંટ વાગે તેની વચ્ચેની સમયગાળામાં બાળકોને ભણાવવાથી જ શિક્ષકોની જવાબદારી પૂરી થઇ જતી નથી. માતાપિતા કે વાલીની જેમ શાળામાં બાળકોને નિર્ભયતા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવું એ પણ શિક્ષકોની જવાબદારી છે. આ શાળાના શિક્ષકો દર વર્ષે માધ્યમિક વિભાગમાં ભણતા જરૂરિયાતમંદ કુટુંબોના બાળકોને સ્વખર્ચે નોટબુક્સ પૂરી પાડીને ભણતર ચાલુ રાખવામાં મદદરૂપ બને છે.