જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં ઉપક્રમે નગરની સરકારી કન્યા હાઇસ્કુલનાં પટાંગણ આઝાદ ચોક ખાતે બેટી બચાવો બેટી પઢાવો કેન્ડલ માર્ચ જાગૃતિ રેલી યોજાઇ હતી. આ રેલીમાં ઉપસ્થિત શહેરનાં સ્ત્રીરોગ નિષ્ણાંતો, સોનોગ્રાફી મશીન ધરાવતા ક્લીનીકોનાં તબીબો, જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્રનાં વરીષ્ઠ અધિકારીઓ અને શહેરનાં પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રેલીને સંબોધતા પી.એન.ડી.ટી. સમીતિનાં ચેરમેન સાધનાબેન નિર્મળે જણાવ્યુ હતુ કે સમાજમાં સ્ત્રી-પુરૂષની સંખ્યાનાં પ્રમાણની આંકડાકીય વિગતો આપણને ચિંતિત કરી રહી છે ત્યારે જાગ્યા ત્યારથી સવાર માનીને બાળકીને ભૃણ હત્યા કરતા નિવારીએ અને બેટીને જન્મવા દઇએ, આજે રાજ્ય સરકાર કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાવો વિષયે ઝુંબેશ ચાલાવીને લોકોને જાગૃત કરી રહી છે ત્યારે સૌ કન્યા જન્મદરને કુમાર જન્મદર સમકક્ષ લઇ જવા જાગૃતિ કેળવીએ.
આ પ્રસંગે ઉપસ્થિત મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, મહિલા સુરક્ષા સમીતીનાં ઉપાધ્યક્ષા જ્યોતિબેન વાછાણી, કલેકટર ડો. સૈારભ પારઘી, સિહત અનેક ઉપસ્થિત લોકોએ કન્યા જન્મદરને જાળવવા સમાજનાં આમ પરિવાર સુધી સૈાએ સાથે મળીને લોકજાગૃતિ કેળવવી પડશે, આજે સ્ત્રી પુરૂષનો જેન્ડર રેશીયો જે રીતે અસંતુલિત થયો છે તેની પાછળ પરીવારની પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે તેની સામે લાલ બતી ધરી આજે દીકરી પણ સમાજમાં પુત્ર સમકક્ષ પોતાના ઓઝસ પાથરી રહી છે ત્યારે દીકરીને જન્મવા દઇએ અને દિકરીને ભણાવીએ તેવી શીખ આપી હતી,.
રેલીને કલેકટર અને મહાનુભાવોએ ત્રણ વિભાગોમાં શહેરનાં રાજમાર્ગો પર પ્રસ્થાન કારવી હતી, ત્યારે રેલીમાં સહભાગી બનેલ તબીબો, તબીબી ક્ષેત્રે અભ્યાસરત વિદ્યાર્થીઓ, નર્સીંગ સ્ટાફ, આરોગ્ય વિભાગનાં અધીકારીઓ, શાળા કોલેજનાં યુવાઓ, નગરનાં પ્રુબધ્ધ નગરજનોનાં હાથમાં કેન્ડલનો ઉજાસ જાણે કહી રહ્યો હોય કે અમારૂ જૂનાગઢ દીકરીને જન્મતી અટકાવશે નહીં અને દિકરા દીકરીમાં કોઇ જ ભેદભાવ રાખશે નહીં, મહાત્મા ગાંધીજીની પ્રતિમા, સરદાર પટેલની પ્રતિમા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનાં પ્રતિમા સુધી ત્રણ વીભાગમાં રેલી નગરનાં રાજમાર્ગો પર પસાર થઇ ત્યારે શહેરનાં પ્રત્યેક વ્યક્તિએ જાગૃતિ રેલીનાં સુરમાં સુર પુરાવી બેટી બચાવો બેટી પઢાવોની હામ ભીડી હતી.