થાઈલેન્ડની પૂર્વ દિશાનો પાડોશી દેશ એટલે કમ્બોડિયા. કમ્બોડિયા મારું હમેશ માટે પસંદગીનું સ્થાન રહ્યું છે. અલબત ત્યાં લાંચ રીશવત ખુબ ચાલે છે. પણ લોકોનો સ્વભાવ ખુબ મળતાવડો અને હેલ્પફુલ છે. ત્યાનો ઈતિહાસ પણ ઘણો જુનો અને સભર છે. સ્વાદિષ્ટ વ્યંજનો અને જીવંત નાઈટલાઈફ. કમ્બોડિયા એક એવો દેશ છે કે જે હજી 1975 થી 1979 વચ્ચે થયેલા નરસંહારના આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યો. અને સ્વાભાવિક છે જે દેશે માત્ર 40 વરસ પહેલા જ 20 થી 30 લાખ લોકોની કતલ જોઈ હોય તેના ઘાવ હજી રૂઝાયા ન હોય. આ ગરીબ દેશમાં હજી જોઈએ તેવી સુવિધાઓ નથી પણ પ્રવાસીઓના ખિસ્સાને પોસાઈ શકે તેવો દેશ છે. તો ચાલો આપણે જાણીએ થોડું વિશેષ.
અન્ય દેશોની જેમ અહી પણ ભારતીયોને વિઝા ની જરૂર પડે છે, જે ઓન લાઈન મેળવી શકાય છે. તેના બે મુખ્ય હવાઈ મથકો PHONOMPENH અને SIEMREAP ઉપરથી વિઝા ઓન એરાઈવલ પણ મળી શકે છે. અ વિઝા માટે 30$ ફી ના અને 2 પાસપોર્ટ સાઈઝ ના તમારા ફોટા હોવા જરૂરી છે. વિઝા નું ફોર્મ તમને હવાઈ મથક પરથી મળી જાય છે. અલબત અહી 30 દિવસ માટેનો પ્રવાસી વિઝા જ મેળવી શકાય છે.
અહીંનું નાણું કમ્બોડિયન રીએલ (RIEL) છે. પણ US$ બધીજ જગ્યાએ ચલણમાં છે. જોકે તમને છુટ્ટા પૈસા જે પરત કરે તે કમ્બોડીયન રીએલ જ હોવાના. જયારે ફરવા જાઓ ત્યારે તમારે એક્ષ્ચેન્જ રેટ થી વાકેફ રહેવું જેથી શું કરવું તે સમજ પડે.
સ્વાભાવિક છે કે બધા પ્રવાસીઓને કમ્બોડીયન ભાષા KHMER તો ન જ આવડતી હોય. પણ આભાર પ્રવાસીઓનો કે તેમના ધસારાને લીધે હવે ત્યાંના લોકો અંગ્રેજી પણ શીખી ગયા છે. નાના ગામડામાં હજી પણ ભાષાની તકલીફ પડે. પણ શહેરમાં અંગ્રેજી જાણનારા ઘણા છે. હવે તમે કમ્બોડીયા આવી જ ગયા છે. એટલે દેશના વિવિધ પ્રદેશમાં ફરવા માટે વાહન વ્યવહારની જરૂર તો પડેજ તો કઈ વાંધો નહિ પ્રમાણમાં અહીં મુસાફરી સસ્તી છે. સૌથી સહેલો ઉપાય છે કે તમે SKYSCANNER APP ડાઉનલોડ કરી નાખો અને 12GOWEBSITE નો ઉપયોગ કરો. આ દેશમાં રેલ, બસ, બોટ, બધાં જ વાહનો આંતરિક પ્રવાસન માટે વપરાય છે. અને તે દરેકની માહિતી, સમય પત્રક તમને આ વેબ ઉપરથી મળી જશે. પ્રવાસ કરવામાં ઘણું સહેલું પડશે અને તમારા સમયનો સદુપયોગ કરી યોગ્ય પ્લાન કરી શકશો.
કમ્બોડીયા એક સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અને ત્યાના લોકો પોતાની પરમ્પરા પ્રમાણે તહેવારો, પાર્ટી અને મેળાવડાઓ કરી ઉજવાતા હોય છે. એપ્રિલ કે મે મહિનામાં ત્યાં નવા વર્ષની ઉજવણીના તમે સાક્ષી બની શકો. સામાન્ય રીતે આ તહેવારની ઉજવણી ચાર દિવસની હોય છે તેમાં પહેલા બે દિવસ પારમ્પરિક પ્રવૃત્તિ અને કુટુંબ નો મેળાવડો હોય છે. જયારે ત્રીજો ને ચોથો દિવસ COUNTRY-WIDE WATER FIGHT ના હોય છે આ લગભગ થાઈલેન્ડના SONGKRAN તહેવારને મળતો આવે છે. કદાચ સૌથી રોમાંચક તહેવાર ઓક્ટોબર- નવેમ્બર માં આવતો WATER- FESTIVAL છે. અને અહી તમને KHMER લોકોની પ્રાચીન પરમ્પરા, સંસ્કૃતિ અને આનંદિત પ્રવૃતિઓ જોવા મળે છે. જો તમે આ મહિનાઓમાં પ્રવાસ કરવાના હો તો આ તહેવારોની તારીખ જોઈ લેવી આપણા તહેવારોની જેમ અહી પણ ચંદ્ર આધારિત કેલેન્ડર હોય છે. તેથી તહેવારોની તારીખો દર વખતે જુદી જુદી આવી શકે છે. આ દેશ ફરવો પ્રમાણમાં સસ્તો છે. તમે લગભગ દિવસના 25$ વ્યક્તિ દીઠ ગણી શકો પણ જો ગ્રુપમાં હો તો વધારે સસ્તું પડે. છે ને? બધાના બજેટને પોસાય તેવું? હવે આવતા અંકમાં આપણે ત્યાના જોવાલાયક સ્થળો અને પ્રવૃત્તિઓની વાત કરીશું.
- નિસ્પૃહા દેસાઈ