અમદાવાદ: ભરૂચના દયાદરા ગામ નજીક રોંગ સાઇડે માંતેલા સાંઢની જેમ ધસી આવેલી મીની લકઝરી બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઇક પર જઇ રહેલા પતિ-પત્ની અને બે પુત્રોને ટક્કકર મારતાં આખો પરિવાર બાઇક પરથી ફંગોળાયો હતો અને આ ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને એક પુત્રના કરૂણ મોત નીપજયા હતા, જયારે બચી ગયેલા અને ઇજા પામેલા અન્ય પુત્રને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
જો કે, મીની બસના ચાલકની ગંભીર બેદરકારીને કારણે પાદરાનો એક નિર્દોષ પરવાર પીંખાઇ ગયો હતો અને પતિ-પત્ની અને પુત્ર માટે વર્ષનો છેલ્લો દિવસ ૩૧ ડિસેમ્બર એ તેમના જીવનનો અંતિમ દિવસ બનીને રહી ગયો હતો. બનાવને પગલે સમગ્ર પાદરા અને વતન વડુ પંથમાં ભારે શોકનો માતમ છવાઇ ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાદરાના વડુના યાસીન અલ્લારખા દિવાન(ઉ.વ.૩૦) ભરૂચના શેરપુરા સ્થિત પોતાની સાસરીમાં પત્ની ફાયઝા યાસીન દિવાન (ઉ.વ.૨૪), મહંમદ ફૈયાઝ યાસીન દિવાન (ઉ.વ.૬) અને ફઝલ યાસીન દિવાન (ઉ.વ.૨)ને લઈને બાઈક પર ગયા હતા. આજે સવારે તેઓ બાઇક લઇને વડુ પોતાના ઘેર પરત ફરતા હતા. ત્યારે કંથારીયા ગામના નાળા પાસેથી પસાર થતી વખતે જંબુસર તરફથી આવતી મીની બસના ચાલકે તેમની બાઇકને જારદાર ટક્કર મારી હતી. જેને પગલે બે પુત્રો સાથે બાઇક પર જઇ રહેલા પત્ની ફંગોળાયા હતા.
અકસ્માતમાં ચારેયને ગંભીર ઈજા પહોંચતાં યાસીન અને તેમના પુત્ર મહંમદ ફૈયાઝે ઘટનાસ્થળે દમ તોડ્યો હતો. પટેલ વેલફેર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ફાયઝા દિવાનનું મોત થયું હતું. જ્યારે ફઝલની સારવાર ચાલે છે. પુરપાટ આવતી લકઝરીને જોઈને યાસીને બાઈક થંભાવી દીધી હતું. છતાં બસની સ્પીડ એટલી હતી કે, બાઈકને ટક્કરે લઈને રોડની સાઈડના ખાડામાં ફેંકી હતી. અકસ્માતને પગલે જંબુસર-ભરૂચ સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. પરિવાર અકસ્માતમાં પીંખાઇ જતાં પાદરા અને વડુ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.