અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણામંત્રી પિયુષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રને નીતિ સાફ-નિયત સ્પષ્ટ અને નિષ્ઠા અટલના ધ્યેય સાથે દેશના આગવા વિકાસનું પથદર્શક બજેટ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખેડૂતો, ગ્રામીણ વસ્તી, અસંગઠિત ક્ષેત્રના કામદારો, યુવાઓ, મહિલાઓ અને ઇમાનદાર કરદાતાઓ સહિત સૌને માટે આ બજેટમાં ‘કિડીને કણ ને હાથીને મણ’ જેમ લાભ-રાહતો અપાયા છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, કરોડો દેશવાસીઓના સપના સાકાર કરી નયા ભારતના નિર્માણની નીંવ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ સરકારે મૂકી છે. તેમણે આ વચગાળાના બજેટને દેશહિત-રાષ્ટ્રહિતને સર્વોપરિ રાખતા બજેટ તરીકે પ્રસંશા કરતા ગુજરાતની જનતા જનાર્દન વતી કેન્દ્રીય મંત્રીમંડળ અને ભારત સરકારનો આભાર પણ વ્યકત કર્યો છે.
મુખ્યમંત્રીએ આ બજેટમાં મધ્યમવર્ગીય અને પગારદાર કરદાતાઓ માટે ઇન્કમટેક્ષ લીમીટ રૂપિયા પાંચ લાખ કરવાની જાહેરાતને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે, ૩ કરોડ લોકોને લાભદાયી આ જાહેરાત સાથે જ મકાન સહિતની આવક અને ્ડ્ઢજીમાં પણ જે રાહત અપાઇ છે અને સ્ટાન્ડર્ડ ડિડકશન પ૦ હજાર કરવામાં આવ્યું છે તે સામાન્ય માનવી માટે ઉપકારક બનશે. તેમણે ખેડૂતો માટે વિશેષ કાળજી લઇને કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવાની જાહેરાતને આવકારતાં કહ્યું કે, બે હેકટર સુધીની જમીન ધરાવતા નાના કિસાનોને દર વર્ષે ૬ હજાર રૂપિયા સહાય આપીને કિસાન કલ્યાણ ધ્યેય રાખ્યો છે. દેશના ૧ર કરોડ કિસાનોને આનો લાભ મળવાનો છે અને ગુજરાતમાં ૩૬ લાખ ધરતીપુત્રો લાભાન્વિત થવાના છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં જે ૯૬ અસરગ્રસ્ત તાલુકાઓ છે તેના ખેડૂતોને રાજ્ય સરકારની રાહત સહાય સાથે હવે આ ૬ હજારની પણ સહાય નિયમાનુસાર મળશે. વિજય રૂપાણીએ મત્સ્યોદ્યોગને વધુ વેગ આપવા અલાયદો મત્સ્યોદ્યોગ વિભાગ શરૂ કરવાની તેમજ ગૌવંશના જતન-સંવર્ધન અને જીનેટીક નસ્લ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની જાહેરાતને પણ કૃષિ-પશુપાલન ક્ષેત્ર માટે મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારો-શ્રમિકોના કલ્યાણ તેમજ ૬૦ વર્ષની વયથી તેમને માસિક ૩ હજાર પેન્શન આપીને ૧૦ કરોડ નાના શ્રમયોગીઓને આવરી લેતી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એક ક્રાંતિકારી પગલું છે. આ ઉપરાંત કર્મયોગીઓને નવી પેન્શન સ્કીમમાં સરકારના ૪ ટકાથી વધારીને ૧૪ ટકાના યોગદાન અને ગ્રેચ્યુઇટી પણ ર૦ લાખ કરવાની જાહેરાતને તેમણે આવકારી હતી. મુખ્યમંત્રીએ ડિઝીટલ ઇન્ડીયા સંકલ્પને ગ્રામીણ સ્તર સુધી પાર પાડવા આવનારા પાંચ વર્ષમાં ૧ લાખ ગામડાંઓને ડિઝીટલ વિલેજ બનાવવા તેમજ દેશની સુરક્ષા માટે પહેલીવાર કોઇ સરકાર દ્વારા ૩ લાખ કરોડના બજેટ ફાળવણીને કેન્દ્ર સરકારની સંવેદના સમાન ગણાવ્યા હતા. તેમણે એસ.સી., એસ.ટી.ના કલ્યાણ યોજના બજેટમાં રપ ટકાથી ૩પ ટકાના વધારાને સોશિયલ રિફોર્મ માટેનું આગવું પગલું વર્ણવ્યું હતું.