અમદાવાદ : રાજયના નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બહુ મહ્ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે આ ૭મી વખત બજેટ રજૂ કર્યું હતું. જેમાં ફરી એકવાર શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને પીવાના પાણીના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. બજેટની સાથે સાથે મુખ્ય બાબતો નીચે મુજબ છે.
સી-પ્લેન શરૂ કરવા રૂ. પાંચ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ
હાલ રાજ્યમાં ૧૨ એરપોર્ટ અને પાંચ એરસ્ટ્રીપ કાર્યરત છે. સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઇ હતી. તો, જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે રૂ.૧ કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યમાં સી-પ્લેનની સુવિધા શરૂ કરવા રૂ.૫ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે રૂ.૨૧૦ કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા રૂ.૧૫૦ કરોડ અને કેરોસીન સહાય માટે રૂ. ૧૮ કરોડની જોગવાઈ કરી છે.
આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરાશે
નાણાંમંત્રી દ્વારા આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરવાની મહત્વની જાહેરાત પણ કરાઇ હતી. તો, નવા ૭૦ હજાર સખી મંડળો બનાવી રૂ. ૭૦૦ કરોડનું ધિરાણ આપવાની જાગવાઇ પણ કરાઇ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો ૧૫ લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી ૩ વર્ષમા મુદ્રા યોજના હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તેવી વાત પણ નીતિન પટેલે કરી હતી.
દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે રૂ.૪૦૦૦ની સહાય
સરકારની વહાલી દીકરી યોજના અંતર્ગત રૂ.૨ લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે રૂ.૪૦૦૦ની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પણ બજેટમાં કરાઇ હતી. આ સિવાય દિકરી જ્યારે ૯મા ધોરણમાં આવે ત્યારે રૂ.૬૦૦૦ની સહાય અપાશે. તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે તેણીને રૂ.૧ લાખની સહાય અપાશે. આ યોજના માટે સરકાર દ્વારા કુલ રૂ. ૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીમાં પુરક પોષણ માટે ૭૫૧ કરોડ તથા વિધવા પેન્શન માટે ૩૭૬ કરોડ અને પૂર્ણા યોજના માટે ૮૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
જળ સંપત્તિના વિવિધ કામો માટે રૂ.૭૧૫૭ કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના વિવિધ કામ માટે રૂ. ૭૧૫૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે સૌની યોજનાના ત્રીજા તબક્કાના રૂ.૨,૨૫૮ કરોડના કામ હાલ પ્રગતિમાં છે. જેના માટે રૂ.૧૮૮૦ કરોડની જોગવાઇ કરી છે તેમજ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે રૂ.૧૦૦ કરોડ ફાળવાયા છે. જેનો રાજયના ૬૦૦૦ ગામોને લાભ મળશે. આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે રૂ.૯૬૨ કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે રૂ.૭૨૦ કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે રૂ.૩૭૨ કરોડની જોગવાઈ કરી છે. તેમજ સુરત જિલ્લાના ૨૩ હજાર ખેડૂતો માટે રૂ.૨૪૫ કરોડ, કરજણ જળાશય માટે રૂ.૨૨૦ કરોડ, કડાણા જળાશય માટે રૂ.૩૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નવી સોલાર રૂફટોપ યોજના સહિતના કામો માટે રૂ.એક હજાર કરોડ
નવી સોલાર રૂફટોપ યોજના સહિતના કામો માટે રૂ.એક હજાર કરોડની જાગવાઇ પણ આ બજેટમાં કરાઇ છે. જેમાં ૩ કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને ૪૦ ટકા સબસિડી, ૩ થી ૧૦ ટકા માટે ૨૦ ટકા સબસિડી માટે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારની આ જાહેરાતનો લાભ આશરે રાજયના બે લાખ પરિવારોને મળશે. આ સિવાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉંડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે રૂ.૨,૨૭૫ કરોડ ખર્ચાશે. જેના માટે આ વર્ષે ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે સવા લાખ ખેતી વીજ જાડાણો માટે રૂ.૧૯૩૧ કરોડની જાગવાઇ
નાણાંમંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરાઇ હતી કે, ચાલુ વર્ષે આશરે ૧.૨૫ લાખ ખેડૂતોને વીજ જોડાણ મળશે, જે માટે સરકાર દ્વારા આ બજેટમાં રૂ.૧૯૩૧ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે, તેમાંથી ૧,૨૫,૦૦૦ ખેડૂતોને અષાઢી બીજ(૪ જુલાઈ)ના દિવસે વીજ જોડાણ આપી દેવાશે. ખેતીનો ખર્ચ ઘટાડવાના હેતુથી સરકાર રાજયના ખેડૂતોને રાહત દરે વીજપુરવઠો પાડે છે, જેની સબસીડી માટે રૂ.૬૮૨૦ કરોડની મોટી જાગવાઇ કરાઇ હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.
ડેરી અને પશુપાલન માટે પણ મહત્વની ફાળવણી
બજેટમાં સરકાર દ્વારા ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે રૂ.૩૬ કરોડ, ગૌ સેવા વિકાસ માટે રૂ.૩૮ કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે રૂ.૩૩ કરોડ, ગોડાઉન બાંધકામ માટે રૂ.૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે રૂ.૨૧૦ કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા રૂ.૧૫૦ કરોડ અને કેરોસીન સહાય માટે રૂ.૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પાણી પુરવઠાની યોજનાઓ માટે રૂ.૪૩૦૦ કરોડની જાગવાઇ
રાજય સરકાર દ્વારા પાણી-પુરવઠાની વિવિધ યોજના માટે રૂ.૪૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ હેઠળ પ્રોજેકટ માટે રૂ.૧૯૯ કરોડ, આદિજાતિ વિસ્તારમાં રૂ.૩૦૦૦ કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાતના ૪૩ જૂથ પાણી પુરવઠા યોજના સુધારણા માટે રૂ.૫૦૦ કરોડ, પાણી પુરવઠા ગ્રીડ ને સુદ્રઢ કરવા રૂ. ૩૪૦ કરોડની જોગવાઈ કરી છે.
સામાજિક ન્યાય અધિકારીતા માટે રૂ.૪૨૧૨ કરોડ
આ બજેટમાં સામાજિક ન્યાય અધિકારિતા માટે ૪,૨૧૨ કરોડની જોગવાઈ કરાઇ છે. ધોરણ-૧થી ૧૦ ના વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૬૦૧ કરોડ, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના સહાય માટે રૂ.૧૮૬ કરોડ, ધોરણ ૯માં ભણતી કન્યાઓને સાયકલ આપવા રૂ.૭૪ કરોડ, કુંવરબાઇનું મામેરું યોજના માટે રૂ.૩૫ કરોડ તથા સમરસ કુમાર છાત્રાલય માટે રૂ. ૯ કરોડની જોગવાઈ કરી છે.
ફરી એકવાર નર્મદા યોજના માટે ૬૫૯૫ કરોડની ફાળવણી
નર્મદા યોજના અંતર્ગત મુખ્ય બંધના આનુષાંગિક કામો, પાવર હાઉસ જાળવણી, કેનાલ ઓટોમેશન, જમીન સંપાદન, નાના વીજ મથકો માટે ફરી એકવાર રૂ.૬૫૯૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે રૂ.૨૬૦ કરોડની ફાળવણી કરી છે, કે જેથી નર્મદા યોજનાનો લાભ રાજયના આંતરિયાળ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો સુધી પહોંચી શકે.
આદિજાતિ વિકાસ માટે ૨૪૯૮૧ કરોડની જોગવાઈ
સરકાર દ્વારા આ વખતના બજેટમાં માહિતી અને પ્રસારણ માટે રૂ.૧૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ કાયદા વિભાગ માટે રૂ.૧૬૫૩ કરોડની ફાળવણી અને શિક્ષણ માટે રૂ.૩૦,૦૪૫ કરોડની જોગવાઈ અને આદિજાતિ વિકાસ માટે રૂ.૨૪૯૮૧ કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય રાજ્યમાં નવી ૪૩૪ કોર્ટો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
સિંચાઇના વ્યાપ, સૌની યોજના સહિતના કામો માટે પણ કરોડો ફાળવાયા
રાજયમાં ટપક સિંચાઇ અંતર્ગત સિંચાઇ વ્યવસ્થાને સુદ્રઢ કરવા રૂ.૭૫૦ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે રૂ.૩૦૭ કરોડની જાગવાઇ કરાઇ છે. સૌની યોજના માટે રૂ.૧૮૮૦ કરોડની જાગવાઇ કરાઇ છે. જેમાં સૌની યોજનાના ત્રીજા તબક્કાના રૂ.૨૨૫૮ કરોડના ચાર પેકેજાના કામો શરૂ કરી દેવાયા છે. તો, બનાસકાંઠા જિલ્લા માટે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન માટે રૂ.૧૦૦ કરોડની જાગવાઇ કરાઇ છે. આ સિવાય પીયજથી ધરોઇ, ધાધુંસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા વિસનગગર યોજનાના કામો માટે રૂ.૧૮૫ કરોડની જાગવાઇ કરાઇ છે. આગામી વર્ષમાં નર્મદાના પાણીની ઉપલબ્ધિ મુજબ, રાજયના ૩૫ જળાશયો અને ૧૦૦થી વધુ ચેકડેમો ભરવામાં આવશે.
આંગણવાડીમાં પૂરક પોષણ માટે રૂ.૭૫૧ કરોડની જાગવાઇ
રાજયની વિવિધ આંગણવાડીઓમાં અપાતા આહારમાં પૂરક પોષણ માટે સરકાર દ્વારા આ બજેટમાં રૂ.૭૫૧ કરોડની જાગવાઇ કરાઇ છે. પૂર્ણા યોજનાના અમલથી કિશોરીઓમાં કુપોષણ, એનીમીયા, ઓછુ વજન જેવી સમસ્યાઓમાં ઘટાડો થયો છે. આ યોજના માટે રૂ.૮૭ કરોડની જાગવાઇ કરાઇ છે. તો, રાજયમાં ૧૨૦૦ આંગણવાડી કેન્દ્રો, નંદઘરના નવા પાકા મકાનો બનાવવામાં આવશે, જેનો લાભ ૩૫ હજાર બાળકોને મળશે, જે માટે રૂ.૨૪ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. સાથે સાથે આંગણવાડી બહેનોના માસિક પગારમાં રૂ.૯૦૦નો અને તેડાગર બહેનોના માસિક પગારમાં રૂ.૪૫૦નો વધારો કરવામાં આવ્યો છે.