અમદાવાદ : ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૨૦૪૮૧૫ કરોડનું અને ૨૮૫.૧૨ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું તેમજ આ પુરાંતમાં જો સ્ટેમ્પ ડ્યુટીમાં કરેલા વધારાની દરખાસ્ત ઉમેરવામાં આવે તો ૫૭૨.૧૨ કરોડનું પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં એક લાખ ૫૪ હજાર ૭૩૧.૮૬ કરોડ રૂપિયાની મહેસુલી આવક દર્શાવવામાં આવી છે જ્યારે તેની સામે એક લાખ ૫૧ હજાર ૮૫૭.૯૯ કરોડનો મહેસુલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. વિવિધ સ્ટેમ્પ ડ્યુટીમાં બેથી ત્રણ ગણો વધાર ઝીંકવામાં આવ્યો છે. આ બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. સોગંદનામા અને નોટરીના લખાણ લેખ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં અઢી ગણો વધારો કરીને ૨૦ના બદલે ૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે દત્તક પત્ર, લગ્ન નોંધણી, ભાગીદારી લેખને લગતા ૨૦૦૦થી અમલમાં આવેલા સ્ટેમ્પ ડ્યુટીના દર ૧૦૦ અને વારસાગત મિલકતમાં કૌટુંબિક સભ્ય દ્વારા કે તેમની તરફેણમાં હક જતો કરવાના લેખ પરનો ૧૫મી મે ૨૦૧૫થી અમલી બને તેવો રૂપિયા ૧૦૦ સ્ટેમ્પ ડ્યુટીનો દર ડબલ કરીને ૨૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની અનુસૂચિ એકમાં સામેલ કરવામાં આવેલા સ્થાવર મિલકતના લેખો સહિત જે લેખો ઉપર ટકાવારીના ધોરણે સ્ટેમ્પ ડ્યુટી વસુલવામાં આવે છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી જ રીતે તમામ ફિક્સ લેખો ઉપર વર્ષ ૨૦૦૦થી અમલી સ્ટેમ્પ ડ્યુટીના રૂપિયા ૧૦૦ના દરને વધારીને ૩૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ વધારાના પગલે વાર્ષિક ૧૬૦ કરોડ રૂપિયાનો અને ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૦૭ કરોડનો વધારો થવાનો અંદાજ છે.
વેરાની વસુલાત માટે એક સમાધાન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં વેચાણવેરા, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, સુગરકેન, પરચેઝ ટેક્સ, કેન્દ્રીય વેચાણવેરાની બાકી રહેલી વસુલાતને આવરી લેવામાં આવશે જે કરદાતાની મૂળ માંગણીની રકમ ૧૦૦ કરોડથી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯થી છ માસ માટે અમલી રહેશે. આની વિગત મોડેથી જાહેર કરાશે. કરવેરા અંગેની દરખાસ્તમાં ઔદ્યોગિક એકમોના સ્વ ઉત્પાદિત વિજ વપરાશ પર વિજદર લાગૂ કરવામાં આવ્યો છે. કેપ્ટીવ વપરાશ કરતા ઔદ્યોગિક એકમો દ્વારા ચુકવવામાં આવતો વિજકર યુનિટદીઠ ૫૫ પૈસાનો છે જેમાં ૨૦૧૩માં વધારો કરવામાં આવ્યો હતો.