આણંદ: રાજયમાં બી.ટી.કપાસની ખેતી કરતં ખેડૂતોને પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો તેને અટકાવવા માટે કેટલાંક ખેતી કાર્યો/પગલાં લેવાની સલાહ આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ.કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા આપી છે.
તદ્અનુસાર જીનીંગ મીલ, માર્કેટયાર્ડ, ગોડાઉન, કપાસિયાના તેલની મીલો વગેરેની આસપાસ ગુલાબી ઇયળના નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ લગાવવા, જીનીંગ મીલ તથા તેલની મીલની આજુબાજુમાંથી નકામો કચરો (કીટુ-કસ્તર)નો નિકાલ કરવો, ખેતર અને શેઢે-પાળે ઉગેલ અડબાવ છોડનો નાશ કરવો, મોજણી અને નિગાહ માટે હેકટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઇયળનાં નર ફૂદાંને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા, ફૂદાં ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં આઠ કે તેથી વધુ ફૂદાં પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેકટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા, ટ્રેપની લ્યુર (સેપ્ટા) દર ૨૧ દિવસે બદલી નાંખવા.
કપાસના ખેતરમાં ફૂલ-ભમરી બેસવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટા-છવાયા ૨૦ છોડ પરથી ફૂલ-ભમરી, જીંડવાની ગણતરી કરવી અને તેમાંથી જો ૧૦૦ ફૂલ-ભમરી, જીંડવા કે ફૂલ-ભમરી અને જીંડવા પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો ક્ષમ્યમાત્રાને અનુસરી કલોરપાયરીફોસ ૨૦ ઇસી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિ.લિ. અથવા એમામેકટીન બેનઝોએટ ૦૫ એસજી ૦૫ ગ્રામ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી ૦૫ મિ.લિ. અથવા કલોરપયરીફોસ ૧૬ ટકા વત્તા આલ્ફાસાયપરમેથ્રીન ૧ ટકા ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૫૦ ટકા વત્તા સાયપરમેથ્રીન ૦૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને આ પૈકી કોઇપણ એક કીટનાશક દવાનો છંટકાવ કરવો.
કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા જાણકારી વગર કોઇજ કીટનાશકોના મિશ્રણ જાતે બનાવી તેનો છંટકાવ ન કરવા કે વધારે કે ઓછી સાંદ્રતાએ તેનો ઉપયોગ ટાળવા અને કપાસના છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવા સલાહ આપવાની સાથે રેડિયો, દૂરદર્શન, વર્તમાનપત્રો, કૃષિ વિષયક સાહિત્ય વગેરેનો અભ્યાસ કરી તેને અનુસરવાથી પણ ગુલાબી ઇયળની સચોટ જાણકારી મેળવી શકાય છે તેમ જણાવાયું છે.
આ અંગે જો કોઇ વધુ માહિતી કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ. કૃષિ મહાવિદ્યાલયનો કીટકશાસ્ત્ર વિભાગનો તથા રાજયની ખેતીવાડી વિભાગની જિલ્લા-તાલુકા કક્ષાએ આવેલ કચેરીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.