અમદાવાદઃ ભારત સંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ) દ્વારા ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસની વિંગ્સના નામે પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશભરમાં આ પ્રકારની અનોખી સેવા અને પ્લાન શરૂ કરનાર બીએસએનએલ દેશની સૌપ્રથમ કંપની બની છે.
આ સર્વિસ દ્વારા ગ્રાહકો કોઇપણ ઓપરેટરના બ્રોડબેન્ડ, વાઇફાઇ, થ્રીજી અને ફોર જી ડેટા નેટવર્કનો ઉપયોગ કરીને દેશભરના કોઇપણ નેટવર્ક પર એક વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે.
આ અંગે બીએસએનએલ, ગુજરાત સર્કલના મુખ્ય મહાપ્રબંધક ડો. પ્રદીપકુમાર હોતાએ જણાવ્યું હતું કે, બીએસએનએલની આ નવી સેવા માટે ગ્રાહકોએ એક એપ્લિકેશન પોતાના મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ પર ડાઉનલોડ કરવાની રહેશે. સિમ કાર્ડ કે લેન્ડલાઇન વગર પણ ગ્રાહકો આ સર્વિસ નો લાભ લઈ શકશે અને આમાં નેશનલ તથા ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી રહેશે. આ સર્વિસ દ્વારા ઇન્ટરનેશનલ કોલિંગ માટે લેન્ડલાઇનનો દર લાગુ રહેશે. આ સર્વિસ મેળવવા માટે ગ્રાહકોએ એક જ વાર રૂ.૧૦૯૯નો સર્વિસ ચાર્જ ચૂકવવાનો રહેશે. આ સર્વિસનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને વ્યાપારિક હેતુથી તેની શરૂઆત તારીખ ૧-૮-૨૦૧૮થી થશે. આ સર્વિસનું રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઇટ પર ન્યુ કનેકશનમાં વિંગ્સ વિઓઆઇપી સર્વિસ પર ક્લિક કરો.
બીએસએનએલ દ્વારા નવા બ્રોડબેન્ડ ગ્રાહકો માટે ૪૫ જીબી, ૧૫૦ જીબી, ૩૦૦ જીબી અને ૬૦૦ જીબીના કોમ્બો પ્લાન્સ અનુક્રમે રૂ.૯૯, રૂ.૧૯૯, રૂ.૨૯૯ અને રૂ.૪૯૧ પ્રતિ માસના ભાડામાં શરૂ કરી છે. આ દરેક પ્લાનમાં દર રોજ અનુક્રમે ૧.૫ જીબી, ૫ જીબી, ૧૦ જીબી અને ૨૦ જીબી ડેટા ૨૦ એમબીપીએસ સુધીની સ્પીડ પર મળશે અને ત્યારબાદ ૧ એમબીપીએસ સુધીની સ્પીડથી અનલિમિટેડ ડેટાની સુવિધા સાથે આ બધાજ પ્લાનમાં દેશભરના બધાજ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે. આ પ્લાન્સનો લાભ એફટીટીએચ ગ્રાહકોને મળશે નહીં. તદુપરાંત આ પ્લાનમાં જોડાયેલા ગ્રાહકોને છ માસ પૂરા થયેથી રેગ્યુલર કોમ્બો પ્લાનમાં તબદીલ કરવામાં આવશે. એફટીટીએચ ગ્રાહકો માટે હાઇ-સ્પીડ કોમ્બો પ્લાન પણ લાગુ કરવામાં આવેલ છે. જેમાં રૂ ૭૭૭ પ્રતિ માસ માં ૫૦ એમબીપીએસ સુધીની સ્પીડ ૫૦૦ જીબી સુધી અને ફક્ત રૂ ૧૨૭૭ પ્રતિ માસમાં ૧૦૦ એમબીપીએસ સુધીની સ્પીડ ૭૫૦ જીબી સુધી મળશે. ત્યારબાદ ૨ એમબીપીએસની સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા અને દેશભરના બધાજ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે.
આ સિવાય વ્યક્તિગત રહેણાંકીય ગ્રાહકો માટે નવો લેન્ડલાઇન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દેશભરના બીએસએનએલ નેટવર્ક પર ૨૪ કલાક અનલિમિટેડ ફ્રી કોલિંગ ની સુવિધા ફક્ત રૂ. ૯૯ પ્રતિ માસમાં મળશે. એસએમએસ દ્વારા નવા કનેક્શનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે બીબીસ્ટારકોડ લખી ૯૪૦૦૦૫૪૧૪૧ પર એસએમએસ મોકલવાનું રહેશે.
બીએસએનએલ, ગુજરાત સર્કલના મુખ્ય મહાપ્રબંધક ડો. પ્રદીપ કુમાર હોતાએ વધુમાં ઉમેર્યું હતું કે, બીએસએનએલ મોબાઇલ ક્ષેત્રમાં પણ મોબાઇલ નેટવર્ક વિસ્તરણ માટે ઝડપી કામ કરી રહ્યું છે. જે જલ્દી પૂર્ણ થઈ જશે. હાલ, મોબાઈલ ગ્રાહકો માટે બીએસએનએલ સૌથી વ્યાજબી પ્લાન આપી રહ્યું છે. એસટીવી-૯૯ અને એસટીવી-૩૧૯માં ગ્રાહક ક્રમશઃ ૨૬ દિવસ અને ૯૦ દિવસ માટે અનલિમિટેડ કોલ કરી શકે છે. અનલિમિટેડ કોલ્સ અને અનલિમિટેડ ડેટા માટે ગ્રાહક ૧૮૬, ૨૯૮, ૪૨૯ અને ૬૬૬ના પ્લાન દ્વારા ક્રમશઃ ૨૮ દિવસ, ૫૬ દિવસ, ૮૧ દિવસ અને ૧૨૯ દિવસની સેવાઓ મેળવી શકે છે.