મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નણંદ-ભાભી થોડા દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારજનોએ અનેક સંભવિત સ્થાનો પર તેમની શોધખોળ હાથ ધરી. દરમ્યાન પતિને એક ફોન આવ્યો અને ફરાર થયેલ નણંદ-ભાભીનું ગુમ થવાનું રહસ્ય ખુલ્યું.
કડીના નદકાણના વતની નણંદ-ભાભીની થોડા દિવસ અગાઉ એક ચિઠ્ઠી લખી ગુમ થઈ ગયા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરતા નર્મદા કેનાલ નજીકના ઓગણનાથ મહાદેવ મંદિર પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે ‘સોરી હું લાઈફથી કંટાળી ગઈ છું, મને માફ કરજો. મારી મોતનું કારણ હું ખુદ છું, કોઈનો વાંક નથી. ગુડ બાય સોરી’. આ ચિઠ્ઠીમાં તેમના ફોટા પણ હતા અને બંનેના ફોન નંબર પણ હતા. આ ચિઠ્ઠી મળતાં જ પરિવારને આશંકા ગઈ કે ચોક્કસ આ બંને કેનાલમાં કૂદી પડ્યા હશે. આ સંભાવનાને લઈને પરિવાર દ્વારા નણંદ-ભાભી ગુમ થયાની પોલીસને જાણ કરાઈ.
પોલીસ તંત્ર પણ બંનેને શોધવા કેનાલની આસપાસના વિસ્તારો તપાસ્યા તેમજ કેનાલની અંદર પણ તરવૈયાઓ મોકલી શોધખોળ હાથ ધરી. નણંદ-ભાભીએ કેનાલમાં પડી જીવન ટૂંકાવ્યુ હોય તેવી આશંકાને પગલે મહેસાણા ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળ પર આવી પંહોચ્યું અને બે – ત્રણ દિવસ સુધી શોધખોળ કરી. તરવૈયાઓ, પોલીસ અને ફાયરબ્રિગેડના પ્રયાસ બાદ પણ કેનાલમાંથી બંનેમાંથી કોઈની શરીર ના મળ્યું કે, ના તો કોઈ ચિન્હ મળી આવ્યા. બંનેમાથી કોઈના અત્તો પત્તો ના લાગતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. દરમ્યાન ભાભી હેતલના પતિ અજયને એક ફોન આવ્યો અને નણંદ-ભાભી ગુમ થયાનો ખુલાસો થયો. ભાભી હેતલે તેના પતિ અજયને ફોનમાં કહ્યું કે હું હિમંતનગર છું, મને આવીને લઈ જાવ. અજયે પોલીસનો સંપર્ક કરતા કોન્સ્ટેબલ અને પરિવાર હિંમતનગર જવા રવાના થયો. પોલીસ અને પરિવાર પંહોચ્યો ત્યારે હેતલ મળી આવી પરંતુ નણંદ રેણુકા ગાયબ હતી. હેતલે કહ્યું કે રેણુકા અન્ય યુવક સાથે હાથમતી નદીની કોતરમાં સંતાયેલી છે. અંતે રેણુકાનો પત્તો મળ્યો. પોલીસ દ્વારા ભાભી હેતલ અને નણંદ રેણુકાનું કાઉન્સેલિંગ કરાયું અને બાદમાં બંને યુવતીઓને પરિવારને પાછી સોંપાઈ.