અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઇ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. આ ગુજરાતી ફિલ્મી ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે, જે ખુબ જ સફળ રહીં છે. ફિલ્મ ‘કસૂંબો’ વિજયગીરી બાબા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના પ્રમુખ અભિનય કલાકારોની વાત કરીએ તો, રોનક કામદાર , ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા , ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર , મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
તાજેતરમાં જ વિજયગીરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન અમદાવાદમાં કોર્ટયાર્ડ બાય મેરિયોટ, સેટેલાઈટ ખાતે કરાયું હતું જેમાં, ફિલ્મના મુખ્ય કલાકારો રોનક કામદાર , ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા , ચેતન ધાનાણી, શ્રદ્ધા ડાંગર , મોનલ ગજ્જર તથા ફિલ્મ નિર્માતાઓ વિજયગીરી બાવા, ટ્વિન્કલ બાવા, નિલય ચોટાઈ, દિપેન પટેલ, કૃષ્ણદેવ યાજ્ઞિક, જયેશ પાવરા,પ્રવિણ પટેલ, તુષાર શાહ તથા ફિલ્મના લેખક રામ મોરી સહીત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. અન્ય સરાહનીય બાબત કહીએ તો આયોજિત કાર્યક્રમમાં “કસૂંબો” સાથે સંકળાયેલ દરેક ટીમ મેમ્બરને સમ્માનિત કરવામાં આવ્યાં હતા કારણકે દરેકે આ ફિલ્મને સફળતાનાં શિખર સુધી પહોંચાડવામાં અથાગ મહેનત કરી છે.
આ અંગે વિજયગીરી બાવાએ જણાવ્યું હતું કે, “આ અમારા માટે ખૂબ મહત્વનો પ્રોજેક્ટ હતો અને આ ફિલ્મ માટે અમે દરેક નાનામાં નાની બાબતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ સફળતા ટીમવર્કને કારણે જ મળી છે. હું દર્શકોનો પણ ખૂબ આભાર માનું છું કે તેમણે આ ફિલ્મને ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે.”
આ ફિલ્મ ગુજરાતના ઐતિહાસિક વારસાની ધરોહર છે. કસુંબો મુવીમાં શેત્રુંજય પર્વત પર અલાઉદિન ખિલજીના આક્રમણની વાત દર્શાવામાં આવી છે. આદિપુર ગામના બારોટ સમાજે આ ખિલજીથી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. શાનદાર અભિનય, પાવર પેક પર્ફોર્મન્સ મુવીના દર્શકો પર અમીટ છાપ છોડે છે. જે લોકોને ગુજરાતના ઈતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્યતા, માતાની મમતા, તેમજ પત્નીનું બલિદાન, વીરની વિરગતી બધા જ રસોનું પાન કરાવતું મુવી એટલે કસુંબો. આ ફિલ્મમાં 100થી પણ વધુ કલાકાર-કસબીઓએ કામ કર્યું છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યાઘટના પ્રેરિત છે જેણે સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા.