ગ્રામ્ય મહિલા પોલીસ મથક બોપલ સ્ટેશનમાં શરૂ થયુ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: પૂરતો પોલીસ સ્ટાફ અને સુવિધાઓ ઉપલબ્ધ બનતાં હવે શહેરના બોપલ પોલીસ સ્ટેશનના બીજા ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે હવે અમદાવાદ જિલ્લામાં મહિલાઓ પર થતા અત્યાચાર અને મહિલાઓને થતા અન્યાય મામલે તેઓ ગ્રામ્ય મહિલા પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવનતાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલાઓ તેમની ફરિયાદ આ ગ્રામ્ય મહિલા પોલીસમથકમાં દાખલ કરી શકશે. જેને લીધે અમદાવાદ જિલ્લાની મહિલાઓને ભારે રાહત થઇ છે. અગાઉ અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતાં પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ પર થતાં અત્યાચારીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ નોંધાવામાં આવતી હતી. ઘણી વખત સ્થાનિક પોલીસમથકોમાં મહિલાઓના અત્યાચારની માત્ર અરજી જ લેવાતી હતી અને તેનો સત્વરે નિકાલ નહી થતો હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી. જેને પગલે કામચલાઉ ધોરણે એસજી હાઇવે પર આવેલી અમદાવાદ ગ્રામ્ય પોલીસ એસ.પી.કચેરીના એક રૂમમાં મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરાયુ હતું પરંતુ ત્યાં કોઇ ગુના નોંધવામાં આવતા ન હતા. જા કોઇ અરજી આવે તો તેની માત્ર તપાસ થતી હતી. પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી જે માંગણી હતી તે મુજબ, પૂરતો પોલીસ સ્ટાફ અને સુવિધા ઉપલબ્ધ બનાવાતાં હવે ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનને વિધિવત્‌ રીતે બોપલ પોલીસમથકના બીજા માળે ફાળવી દેવાયું છે અને તેની સારી શરૂઆત પણ કરી દેવાઇ છે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મહિલા પોલીસ સ્ટેશન માટે પૂરતો સ્ટાફ ન હતો પરંતુ હવે સ્ટાફ ફાળવતાં આ સમસ્યાનું નિવારણ થઇ ગયું છે અને ગ્રામ્ય મહિલા પોલીસમથકની વિધિવત્‌ કામગીરી કરી દેવામાં આવી છે.

Share This Article