હૈદરાબાદ : રેપ આરોપીના મૃતદેહો નવમી સુધી રખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હૈદરાબાદ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવેલા રેપના નરાધમોના મૃતદેહોને નવમી ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવા માટે તેલંગાણા હાઇકોર્ટે આદેશ કર્યો છે. આનો મતલબ એ થયો કે આરોપીઓના મૃતદેહોને હાલમાં પરિવારને સોંપી દેવામાં આવનાર નથી. હાઇકોર્ટનો આ આદેશ મુખ્ય ન્યાયાલયને મળેલા એક નિવેદન પર આપવામાં આવ્યો છે. જેમાં ઘટના પર ન્યાયિક દરમિયાનગીરી કરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યોહતો કે ન્યાય પહેલા તે પહેલા જ તમામની હત્યા કરી દેવામાં આવી હતી.

સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદ વેટનરી તબીબ પર ગેંગ રેપ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરીને તેને સળગાવી દેવાની ઘટનાના ૧૦ દિસ બાદ ગઇકાલે ચારેય નરાધમ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. આરોપીઓ પોલીસના હથિયારને લઈને ભાગી છુટવાના પ્રયાસમાં હતા, જેથી પોલીસને ગોળી ચલાવી દેવાની ફરજ પડી હતી. જ્યારે આરોપી હથિયાર લઈને ભાગી છુટી રહ્યા હતા ત્યારે સ્થળ પર હાજર અધિકારીઓએ તેમને ચેતવણી આપી હતી પરંતુ તેમના ઉપર કોઈ અસર થઈ ન હતી.

એન્કાઉન્ટરમાં બે પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી.  ૩૦ મિનિટ સુધી એન્કાઉન્ટર ચાલ્યુ હતું. પોલીસે કહ્યું હતું કે, અમે વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહ્યા હતા અને ચારેય આરોપીઓને પકડી લીધા બાદ તેમને દસ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચોથી અને પાંચમી ડિસેમ્બરના દિવસે નરાધમોની પુછપરછ કરવામાં આવી હતી. ગઇકાલે સવારે ઘટનાને દોહરાવવા માટે ચારેય આરોપીઓને લઈને અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આરોપી આરીફ અને ચિંતાકુટાએ પોલીસને હથિયારો આચકી લીધા હતા. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાના પ્રયાસ કર્યા હતા. બે આરોપીઓએ પોલીસ પર ગોળીબાર પર કર્યો હતો. આરોપીઓની પાસેથી બે હથિયાર મળી આવ્યા છે. શરણે થવા માટે તેમને કહેવામાં આવ્યું હતું પરંતુ વાત ન માનતા સુરક્ષા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. પીડીતાનો ફોન પણ મળી આવ્યો છે.

Share This Article