અમદાવાદ : આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયા આજે ભરૂચમાં આયોજીત સ્નેહમિલન સંમેલનમાં હાજર રહ્યા હતાં. જ્યાં તેઓએ આરએસએસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, મને તો એ વાતનો ડર છે કે, ચૂંટણી જતી રહેશે તો આ લોકો મસ્જિદમાં જઇને રહીમ રહીમ કરવા લાગશે. આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, અમારે તો અયોધ્યામાં રામ મંદિર પણ જોઇએ અને કરોડો બેકાર યુવાનોને નોકરી પણ જોઇએ છે.
ભાજપ સરકારે તો જીએસટી અને નોટબંધી લાવીને ૧ કરોડથી વધુ લોકોની નોકરી ઝુંટવી લીધી છે અને વેપાર-ધંધા પણ બંધ થઇ ગયા છે. ૩૨ વર્ષ સુધી આરએસએસ અને ભાજપવાળા કહેતા હતા કે, સત્તા આવશે સોમનાથની જેમ રામમંદિરનો કાયદો બનાવીશું. ૨૦૧૪માં સત્તા આવી તો કાયદો ભૂલી ગયા અને કોર્ટ-કોર્ટનું નામ રટવા લાગ્યા અને પાંચ વર્ષ પછી હવે ચૂંટણી આવી રહી છે તો હવે કાયદો-કાયદો કરવા લાગ્યા છે. મને તો એ વાતનો ડર છે કે, ચૂંટણી જતી રહેશે તો આ લોકો મસ્જિદમાં જઇને રહીમ-રહીમ કરવા લાગશે. એની પર ભરોસો થાય કઇ રીતે. સત્તામાં બેઇમાનોને કારણે રામમંદિરનું કામ હવામાં લટકી રહ્યું છે. હવે તો કોંગ્રેસ પણ નહીં અને ભાજપ પણ નહીં અબ કી બાર હિન્દુ સરકાર. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અબ તો હિન્દુ હી સરકાર આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને એક લાખથી વધારે ગામોમાં દર ગુરૂવારે હિન્દુ હી આગે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ૫૦૦થી વધારે ગામોમાં દર ગુરૂવારે હિન્દુ હી કેન્દ્ર શરૂ કરાયા છે. જેમાં દરેક વ્યક્તિ પાસેથી એક મુઠ્ઠી અનાજ એકત્રિત કરીને ૧૦-૧૦ કિલો અનાજની બેગ ગરીબોને આપવામાં આવશે. જેથી કોઇ હિન્દુ ભુખ્યો ન રહે. આ ઉપરાંત મફત બ્લડ પ્રેશર અને હિમોગ્લોબીનની તપાસ કરી આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષા સ્વાવલંબનની ટ્રેનિંગ અને બાળકોને ટેલેન્ટ આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.