બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ એક્ઝિબિશનનું સફળ આયોજન થયું

એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વ્યવસાયિક મંચ આપવાનો હતો, જ્યાં તેઓ પોતાનું કૌશલ્ય, પ્રોડક્ટ્સ અને આત્મવિશ્વાસ જગત સામે રજૂ કરી શકે.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડોદરા: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા પ્રાગટ્ય – મહિલા સશક્તિકરણ એક્ઝિબિશનનું સફળ આયોજન નોટસ આઈટી પાર્ક, સારાભાઈ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું. વિશિષ્ટ કાર્યક્રમની શરૂઆત વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સેવા અને કાર્ય કરનાર ૯ પ્રેરણાદાયી મહિલાઓના સન્માનથી કરવામાં આવી. આરોગ્ય ક્ષેત્રમાં સેવાભાવી કાર્ય માટે ડૉ.કાલિન્દી પરમાર અને રિંકલ પટેલ (નર્સ)નું સન્માન કરવામાં આવ્યું.

શિક્ષણ જગતમાં બાળકોના ભવિષ્ય માટે કાર્ય કરનારી પલક પટેલ (શિક્ષિકા) અને હિરલ પરમાર (પ્રોફેસર)ને માન આપવામાં આવ્યું. હાઉસકીપિંગ ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરનારી સવિતા પરમાર, સૌંદર્ય ક્ષેત્રમાં કાર્યરત મમતા મજમુદાર (બ્યુટિશિયન), રસોડામાં કૌશલ્ય બતાવનારી ધૃતિ શાહ (શેફ), સમાજ માટે સક્રિય નિલમ આચાર્ય (સોશિયલ એક્ટિવિસ્ટ) અને વ્યવસાય ક્ષેત્રે પોતાના કામથી આગવી ઓળખ બનાવનાર કીન્નલ દેસાઈ (પ્રોફેશનલ) સૌને બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તમામ મહિલાઓએ પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભા દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવ્યો છે.

આ અવસરે ૨૨થી વધુ મહિલાઓએ પોતપોતાના પ્રોડક્ટ્સ સાથે એક્ઝિબિશનમાં ભાગ લીધો, જેમાં કપડા, હેન્ડમેડ જ્વેલરી, ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો, સજાવટના સામાન જેવી વિવિધ સામગ્રી પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વ્યવસાયિક મંચ આપવાનો હતો, જ્યાં તેઓ પોતાનું કૌશલ્ય, પ્રોડક્ટ્સ અને આત્મવિશ્વાસ જગત સામે રજૂ કરી શકે.

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનનો હેતુ છે કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવી, તેઓના કાર્યને ઓળખ આપવી અને સમુદાયમાં તેમની ભુમિકા માટે તેમને આદર આપવા. કાર્યક્રમના દરેક સહયોગી અને સ્વયંસેવકોનો દિલથી આભાર માનીએ છીએ, જેમના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Share This Article