બાઇકચાલક યુવકનું ડિવાઇડર સાથે અથડાતાં કરૂણ મોત થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ શહેરના ખોખરા-હાટકેશ્વર રોડ પર શનિદેવના મંદિર નજીક પૂરપાટ ઝડપે બાઇક પર યુવતીને બેસાડીને જઇ રહેલા યુવકે પોતાની બાઇક પરનો કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાયો હતો અને ખાસ્સે સુધી રોડ પર ઘસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. તો, પાછળ બેઠેલી યુવતી પણ અચાકન સર્જાયેલા અકસ્માતને લઇ જમીન પર ખાસ્સી એવી ઘસડાઇ હતી અને ગંભીર ઇજાનો ભોગ બની હતી.

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને રોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. જો કે, બાઇકચાલક યુવકના મોત અને યુવતીને ગંભીર ઇજાના સમાચાર સાંભળી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં આઇ ડિવીઝન ટ્રાફિક વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ખોખરા-હાટકેશ્વર રોડ પર સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં અકાળે કાળનો કોળિયો બનેલા બાઇકચાલક યુવકનું નામ શમીમ નજરહુસૈન શેખ હોવાનું સામે આવ્યું છે અને તે શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો.

Share This Article