છેલ્લા બે સપ્તાહથી આપણે ભૂતાનની યાત્રા કરી રહ્યાં છે. આ રવિવારે પણ તેને આગળ ધપાવીશું. ભૂતાનમાં રહેવા માટે ચાર પ્રકારની વ્યવસ્થા છે અને બધાનો અનુભવ કરવા જેવો છે. ચાલો તો તેના વિષે જાણીએ. સૌથી પહેલા તો હોટલ્સ દરેક દેશોમાં આ અપવાદ આસાનીથી મળી રહે છે. અહીં પણ ઘણી હોટલો આવેલી છે તેના રોજના રૂમ નો ભાવ ૧ થી ૫ સ્ટાર પ્રમાણે વધારે ઓછો જોવા મળે છે. સામાન્ય રીતે ટુર ઓપરેટર ૩ સ્ટાર હોટલમાં તમને ઉતારો આપે છે. દરેક ટુર ઓપરેટર્સની એ ફરજ છે કે તેમના પ્રવાસીઓને રહેવા ખાવાની સગવડ મળી રહે. જરા વધારે સગવડ અને લક્ઝરી જોઈતી હોય તો રિસોર્ટ પણ મળી રહે માત્ર ખર્ચ વધારે આવે. આ ઉપરાંત ભૂતાનમાં ઘણા ગેસ્ટ હાઉસ પણ આવેલ છે અને દરેક ગેસ્ટ હાઉસની સગવડ પણ એકથી પાંચ તારક હોટલની જેમ જુદી જુદી હોય છે. હોટલ્સ અને ગેસ્ટ હાઉસની ડિરેક્ટરીમાંથી તમે યોગ્ય પસંદગી કરી શકો છો. હવે પછીની બે વ્યવસ્થા મજાની છે. તેમની એક છે ફાર્મ સ્ટે. પ્રવાસી ત્યાંનાં પારમ્પરિક ફાર્મ હાઉસમાં એકાદ રાત રોકાઈને જુદો અનુભવ મેળવી શકે છે. અહીં તમને ભુતાની લોકોની રોજીંદી જીવન પદ્ધતિનો અનુભવ જોવા મળે છે. તેમના ખેતરના કામ, ભૂતની ખોરાક, વાનગીઓ, નહાવા માટે મોટી ત્રાંબાકુંડીમાં અપાતું ગરમ પાણી વગેરે.
પશ્ચિમી દેશના લોકો માટે આ અનુભવ આગવો બની જાય છે. તો બીજો એવો જ થોડો વિશેષ અનુભવ લેવા હોમ સ્ટે પણ કરી શકાય. અહીં તમે કોઈ ભુતાની કુટુંબની સાથે તેમના ઘરમાં જ રહી શકો. સ્વાભાવિક છે કે તેમની રોજીંદી જીવન પદ્ધતિનો અનુભવ કરવા મળે ને સાથેસાથે તેમની ઉમદા આગતાસ્વાગતાને મહેમાનગતિ પણ માણવા મળે. આ બંને અનુભવ કમસેકમ એકવાર તો લેવા જેવા છે. આમ બધા જુદા જુદા અનુભવો લીધા પછી અને અનેક સ્થળોએ ફર્યા પછી થાક ઉતારવા માટે એકાદ અત્યંત આરામદાયી રાત્રી માટે પંચતારક હોટલનો અનુભવ પણ માણવા જેવો છે. UMA PARO એ ત્યાંની પ્રખ્યાત પંચતારક હોટલ છે. પારો ખીણના સૌન્દર્યનું રસપાન કરતા કરતા હોટલ તરફથી ચલાવતા યોગ અને બીજા કેટલાક હોલીસ્ટીક જેવાકે ધ્યાન, આયુર્વેદિક ઉપચાર,તેલ માલીશ જેવી સગવડો તમારા થાકને દુર કરી તાજા-મજા બનાવી દે છે.
ભાઈ રહેવાની મજા તો માણી પણ તેને માટે નાણું પણ જોઈએને? તો વાંધો નહિ ATM ની સગવડ સુંદર છે. દરેક મુખ્ય જગ્યાએ આખા ભૂતાનમાં ATM આવેલા છે. માસ્ટર કાર્ડ કે વિઝા કાર્ડથી તમે ભુતાની નાણું NGULTRUM ઉપાડી શકો છો. અલબત ભારતીય રૂપિયા પણ અહી સહેલાઇથી ચાલે છે. ટ્રેકિંગના શોખીન માટે ખાસ વાત તેમણેઅહી આવતા પહેલા મેડીકલ વીમો ખાસ કરાવી લેવો. કારણ કોઈ પણ અકસ્માતમાં તે વરદાન રૂપ સાબિત થાય છે. તો ચાલો ઘણી બધી માહિતી મળી ગઈ પણ જોવાલાયક સ્થળોની વાત તો આવી જ નહિ બરાબરને? આવતા સપ્તાહમાં આપણે સુંદર સ્થળોની મુલાકાત લઈશું ત્યાં સુધી વિરામ.
ચાલો હવે જલ્દી તમને ભૂતાનના જોવાલાયક સ્થળોની ઓળખાણ કરવું. આપણે સૌ પ્રથમ થીમ્ફું આવ્યા એટલે તમને ત્યાંથી જ શરૂઆત કરું. ભૂતાનનું પાટનગર થીમ્ફું એટલે ટ્રેડીશનલ ભુતાની અને આધુનિક શૈલીનું વિચિત્ર મિશ્રણ. સિવિલ સર્વન્ટ્સ, પ્રવાસીઓ અને બુદ્ધ સાધુઓ આખા થીમ્ફુમાં ઠેર-ઠેર જોવા મળશે.
અહીંના મકાનોની બાંધણીમાં ખાસ ભુતાની સ્થાપત્યનું બાહુલ્ય જોવા મળે છે. હવે જોઈએ મેમોરીઅલ CHORTEN, આ એક સ્તૂપ છે. અને તે અહીંના રાજા જીગમાં ડોર્જી વાન્ગચૂકની યાદમાં બનવ્યો છે. આ રાજાએ ભૂતાનમાં આધુનિકતાનો પાયો નાખ્યો. સ્તુપમાં આવેલા ચિત્રો અને મૂર્તિઓ બુદ્ધની ફિલોસોફીને ઉજાગર કરે છે.
- નિસ્પૃહા દેસાઈ