મિત્રો, તો નેપાળની યાત્રા કરી આવ્યા? આજે મારે દુનિયાના સૌથી સુખી દેશની વાત કરવી છે. અરે ના ના તમે સમજો છો તેમાંથી કોઈ દેશની વાત નથી કારણ તે તમામ દેશ સમૃદ્ધ તો હોઈ શકે છે પણ સુખી??? અલબત હું સમજુ છું કે સમૃધ્દ્ધીથી સગવડ વધે છે ને થોડો આરામ પણ મળે છે. જયારે હું તો અહીં સુખની વાત કરું છું. નિશ્ચિંત શાંત મન, હસતા ચહેરા, તંદુરસ્ત લોકો, લાંબુ આયુષ્ય, સ્વસ્થ સામાજિક જીવન, આ બધું તમને જ્યાં જોવા મળે તેવા દેશનો પ્રવાસ કરવાની તો બધાની ઈચ્છા હોય. તો ચાલો હિમાલયની ગીરીમાળામાં આવેલ એકમાત્ર રાજાશાહી ધરાવતો દેશ. સાચું, હવે તમારો અંદાજ સાવ સાચો છે, તો આજે ભૂતાન દેશની હું તમને થોડી માહિતી આપીશ.
ભૂતાનનું ભૂત માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બરમાં સૌથી વધારે ધૂણે…હા..હા..હા… તો સમજી ગયા ને? આ મહિનાઓ માં પ્રવાસીઓની ભીડ સૌથી વધારે હોય અને તેથી મોંઘુ પણ હોય. રોજના લગભગ $૨૫૦ વ્યક્તિદીઠ થાય, પણ ડીસેમ્બરથી ફેબ્રુઆરી, જુનથી ઓગસ્ટમાં લગભગ આજ પ્રવાસ રોજના $૨૦૦ માં કરી શકો. જોકે શિયાળામાં સખત ઠંડી અને જુનથી ઓગસ્ટમાં વરસાદનો સામનો કરવો પડે. પ્રવાસી જો એકલો જવા માંગતો હોય તો તેણે દરેક રાત્રીનો US$ ૪૦ સરચાર્જ આપવો પડે છે. જો બે વ્યક્તિની જોડી બનાવી જવા માંગતા હોય તો US$ ૩૦ વ્યક્તિદીઠ, પણ ત્રણ કે તેથી વધારેનું ગ્રુપ બનાવી જવા માગતા હો તો NO SURCHARGE. માટે કોઈ મિત્રોને સાથે લઇ ને ભૂતાન ફરવા જવું સસ્તું પડે.
ભૂતાનમાં ઘણા તહેવારો ઉજવાય છે. તેમાં માત્ર ધાર્મિક તહેવારોજ નથી હોતા. એટલે જતા પહેલા તે જાણી લેવું કે ક્યાં ક્યાં તહેવારોમાં ભાગ લઇ શકાશે. જોકે તેના બે મુખ્ય તહેવારો જે પારો અને થીમ્ફુંમાં ઉજવાય છે. તે સમયે પ્રવાસીઓનો ધસારો ખુબ હોય છે. સામાન્ય રીતે દરેક તહેવારો માં રંગ- બેરંગી વસ્ત્ર પરિધાન કરી લોકનૃત્ય કરતા હોય છે, સરઘસ આકારે રસ્તા ઉપરથી પસાર થતા હોય છે. અને આશ્ચર્યની વાત તો પ્રવાસીઓ પણ તેમાં સામેલ થઇને એટલાજ આનંદથી અજાણ્યા તહેવારની ઉજવણીમાં જોડતા હોય છે. જો તમે ઓછા જાણીતા તહેવારો માં જઈ શકો તો વધારે સારું કારણ ભીડ ઓછી હોયતો તમે ભાગ સારી રીતે લઇ શકો અને ફોટો પડવાની કે વીડિઓ બનાવવાની સુગમતા રહે. તો ભૂતાન જતા પહેલા ફંડ, સ્થળ, સમયનો વિચાર જરૂર કરી લેવો પડે. આવતા અંકમાં આપણે ભૂતાનમાં દાખલ થવા વિષેની વાત કરીશું.
- નિસ્પૃહા દેસાઈ