અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવો વચ્ચે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતુ. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જો કે, ભારત બંધના એલાનને એકંદરે મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના સ્થળોએ ભારત બંધના એલાનને કંઇક અંશે પણ સફળતા મળી હતી. ખાસ કરીને કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં બંધનું એલાન સફળ રહ્યું હતું, જયારે બાકીના વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યું હતું.
ભારત બંધના મિશ્ર પ્રતિસાદ વચ્ચે કોંગ્રેસ દ્વારા એક બાજુ, ભારત બંધના એલાનને સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો, તો, બીજીબાજુ, ભાજપે કોંગ્રેસના ભારત બંધના એલાનને નિષ્ફળ ગણાવ્યું હતું. ભારત બંધના એલાન દરમ્યાન આજે અમદાવાદ અને વડોદરામાં બસો પર પથ્થરમારો થયો હતો, તો, શહેર સહિત રાજયભરમાં તમામ ઠેકાણે સેંકડો કોંગી નેતા-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં ભારત બંધની હિંસક અસર જાવા મળતાં સમગ્ર રાજયમાં પોલીસ ખડેપગે તૈનાત રહી હતી, કેટલાક સ્થળોએ પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી તો, કોંગી કાર્યકરોએ કેટલીક જગ્યાએ ટાયરો સળગાવી હાઇવે અને રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. ભારત બંધના એલાન વચ્ચે અમદાવાદમાં શાહપુર હલીમની ખડકી પાસે બે એએમટીએસ બસમાં કરી તોડફોડ કરી હતી. થલતેજમાં એએમટીએસની બસ પર પથ્થરમારો થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ બસને અટકાવી હવા કાઢી હતી અને મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા હતા. અમદાવાદના સૈજપુર બોઘા ટાવર પાસે પોલીસ દ્વારા નરોડા રોડ પર લાઠીચાર્જ કરાયો હતો. હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર ઈલાક્ષીબેન પટેલે વોર્ડની શાળાઓમાં જઈ ને જાતે ઘંટ વગાડી ને વિદ્યાર્થીઓને છોડી મુક્યા.
હાટકેશ્વર સર્કલ પર એ એમ ટી એસ બસો ને રોકી ને ચકકાજામ કરાયો હતો. જ્યારે વડોદરામાં બે એસ.ટી.બસો પર પથ્થરમારો થયો હતો. તેમજ રાજ્યના અન્ય સ્થળોએ બસના ટાયરની હવા કાઢી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. તેમજ રખિયાલમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. ભારત બંધના એલાનને લઇ આજે અમદાવાદ શહેરમાં ૩ ડીસીપી, ૪ એસીપી, ૩૦ પીઆઇ, ૧૫૦ પીએસઆઇ, ૨૩૦૦ પોલીસકર્મી, ૮૦૦ હોમગાર્ડ અને એસઆરપીની ૨ કંપની સહિતના સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ખડકાયો હતો. અરવલ્લી જિલ્લાના ભીલોડામાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ચક્કાજામ કરવા બદલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યમાં ઠેરઠેર કોંગી કાર્યકરોની અટકાયતનો દોર ચાલી રહ્યો છે. આજના ભારત બંધનાં એલાનના પગલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ઊતરી એએમટીએસ અને બીઆરટીએસ સર્વિસને ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન શાહપુર, મીરજાપુર અને બાપુનગર ખાતે એએમટીએસની બસ ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં બસની બારીના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં ગભરાટ પ્રસરી ગયો હતો, જો કે એએમટીએસ અને બીઆરટીએસની સેવા ચાલુ રખાઇ હતી. એએમટીએસની રૂટ નં.૧૪૬/૧ ઉપર શાહપુર ખાતે અને રૂટ નં.૭ર પર મીરજાપુર ખાતે કેટલાંક તોફાની ત¥વોએ પથ્થરમારો કરતાં આ બંને બસના બારીના કાચનો ખુરદો બોલાયો હતો. જ્યારે બાપુનગર ચાર રસ્તા ખાતે રૂટ નં.પ૮ પણ તોફાની તત્વો દ્વારા કરાયેલા પથ્થરમારાનો ભોગ બની હતી.
આ ઉપરાંત અનુપમ સિનેમા પાસે રૂટ નં.૭૭, શીલજના પ્રજાપતિના કૂવા પાસે રૂટ નં.પ૧, અમરાઇવાડી ખાતે રૂટ નં.૭૭, સુભાષચોક પાસે રૂટ નં.૧૩૬ એમ વિભિન્ન સ્થળો તોફાની લોકોએ એએમટીએસની બસ રોકીને તેના પૈડાંની હવા કાઢી નાખી હતી. વટવા, મણિનગરની રેલવે કોલોની, લાલ દરવાજાનું પાલિકા બજાર વગેરે જગ્યાએ ટોળાંએ મુસાફરોને બસમાંથી જબરદસ્તી ઊતાર્યા હતા. એએમટીએસના આશરે ૧પ રૂટને ડાયવર્ટ કરાયા હતા પરંતુ બસ સેવા રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી. દરમ્યાન દાણીલીમડા ખાતે સવારે ૯-૩૦ વાગે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ વગેરે નેતા તેમજ કાર્યકરોએ બીઆરટીએસ બસ સેવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા મણિનગર થી આરટીઓના રૂટને સ્થગિત કરાયો હતો. આ જ પ્રકારે રાજયના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં મોંઘવારી મુદ્દે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો.
રાજકોટમાં મહિલા કોંગ્રેસનું નરેન્દ્ર મોદીના ફોટા પર ચંપલ મારી વિરોધ પ્રદર્શન યોજયું હતું. ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના પ્રમુખ સહિત ૧૨ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ડાંગમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે સામે વઘઇમા સજ્જડ બંધ રહ્યું હતું તો, આહવા અને સાપુતારા ખાતે ખાસ અસર વર્તાઇ ન હતી. વડોદરામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સંગમ ચાર રસ્તા પર ઘર્ષણ થતાં કોંગી અગ્રણી ઋત્વિજ જોશીની અટકાયત કરાઇ હતી, જયારે માંજલપુર વિસ્તારમાં અજાણ્યા લોકોએ બસ પર પથ્થરમારો કરી બે એસટીના કાચ ફોડ્યા હતા, જેને લઇ વાતાવરણ તંગ બન્યું હતું. ભાવનગરમાં પણ કોંગ્રેસ દ્વારા પાલીતાણાની દુકાનો-બજારો બંધ કરાવવામાં આવ્યા હતા. સાબરકાંઠાના પ્રાંતિજ શહેરની મોટાભાગની શાળા કોલેજોને કોંગ્રેસના કાર્યકરોએ બંધ કરાવી, જેમાં પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય સહિત ૨૫ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઇ હતી. સુરતમાં લિંબાયત વિસ્તાર ખાતે ચાર રસ્તા ઉપર ટાયર સળગાવીને વિરોધ, ૧૫ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી હતી, કોંગી કાર્યકરોએ દહેજ રોડ ચક્કાજામ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભીલોડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વહેલી સવારે શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો.
બનાસકાંઠાના દાંતા અંબાજી માર્ગ પર કોંગી કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન યોજયા હતા, જેને લઇ બનાસકાંઠાથી પાટણ સિધ્ધપુર જતી તમામ બસો બંધ રખાઇ હતા તો, અંબાજી દાંતા અને હડાદ વિસ્તારની તમામ બસો બંધ રખાઇ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસના મહિલા આગેવાનો સહિતના ૫૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. રાજકોટના ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના શહેર પ્રમુખ મહેશ રાજપૂત, સહિત કોંગ્રેસ અગ્રણી અને કાર્યકર્તાઓની અટકાયત કરાઇ હતી. પંચમહાલમાં પણ કોંગ્રેસના ભારત બંધ એલાનને લઈ ગોધરા ઝોનથી ગ્રામ્ય વિસ્તારમાં જતી મોટાભાગની બસોના પૈડાં થંભાવી દેવાયા હતા.