અમદાવાદ : ગુજરાતના ચકચારભર્યા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને સીટે આજે ભચાઉ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સુનાવણીના અંતે કોર્ટે આરોપી છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાતના બહુચર્ચીત એવા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ૬૬ દિવસ બાદ મુખ્ય સૂત્રધાર આરોપી છબીલ પટેલ તપાસ ટીમના હાથે લાગ્યો છે. અત્યાર સુધી સીટ દ્વારા આ સમગ્ર હત્યા કેસમાં તેની ભુમિકા અંગે અનેક પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. પરંતુ તેની પુછપરછ વિદેશ હોવાના કારણે શક્ય બની ન હતી. જો કે પરિવારના સભ્યો પર પોલિસની ધોંસ વધતા છબીલ પટેલ સરેન્ડર થયા હતા.
સીટના અધિકારીઓએ આજે આરોપી છબીલ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના ૧૪ દિવસની રીમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે છબીલ પટેલના ૧૦ દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. જો કે છબીલ પટેલના વકીલે તેમનો બચાવ કરતી દલીલો કરી હતી પરંતુ કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી જો કે સીટની ટીમે આ અંગે કંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે છબીલ પટેલ પણ કોર્ટ બહાર નિકળતા મીડિયાએ તેને સવાલો પુછ્યા હતા. પરંતુ તેઓ કશુ બોલ્યા ન હતા. જો કે સુત્રોનુ માનીએ તો સીટ દ્વારા જુદા જુદા ૨૨ મુદ્દાઓને લઇને તેના રિમાન્ડની માંગણી કરાઇ હતી.
જેમા છબીલની કેસમાં સંપુર્ણ ભુમિકા પ્લાનીંગ અને ભાઉ, મનિષા સહિતના આરોપીઓની ભુમીકા અને સંપર્ક અંગે સીટની ટીમ પુછપરછ કરશે. તો નારાયણી ફાર્મમાં પણ છબીલ પટેલને સાથે રાખી તપાસ કરી શકે છે. અને તપાસ બાદ પડદા પાછળના અત્યાર સુધી ન આવી શકેલા કેટલાક વ્યક્તિઓની સંડોવણી પણ ખુલી શકે છે. રાજકીય ખળભળાટ મચાવનારા આ હત્યા કેસમાં આમ તો પહેલાથી જ છબીલ પટેલ મુખ્ય ભેજાબાજ હતા. જો કે તે વિદેશ હોવાથી ઘણી વાતો પર હજુ સુધી રહસ્ય હતુ. જો કે હવે તે ૧૦ દિવસના પોલીસ રીમાન્ડ પર સોંપાયો છે ત્યારે તે મીડિયા સમક્ષ ભલે કંઇ બોલવા તૈયાર નથી. પરંતુ સીટની ટીમ હત્યા કેસમાં અત્યાર સુધી સામે ન આવેલી વાતો રિમાન્ડ પૂછપરછ-તપાસમાં તેની પાસેથી ઓકાવી શકે છે. આગામી દિવસોમાં આ સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી પણ પૂરી શકયતા છે.