અમદાવાદઃ ગુજરાતી વેબસીરીઝમાં ક્રાંતિ લાવનાર આસ્થા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ લોકપ્રિય વેબસીરીઝ “બસ ચા સુધી”ની સુપરહિટ રહેલ બે સીઝન બાદ પ્રોડ્યુસર્સ ધૃષ્મા દોશી અને હિરેન દોશી ટૂંક સમયમાં સીઝન- ૩ આપની સમક્ષ રજૂ કરશે. “બસ ચા સુધી” વેબસીરીઝ એ યુવક અને યુવતી વચ્ચેના પ્રેમ, સંબંધ અને મિત્રતાની કહાની છે.
“બસ ચા સુધી” વેબસીરીઝની ખૂબ જ પસંદગી પામેલ પ્રથમ સીઝનમાં એક યુવક અને એક યુવતી ની વચ્ચે થતી સામાન્ય વાતો અસામાન્ય રીતે વાર્તા માં દર્શાવવામાં આવી છે અને દ્વિતીય સીઝનમાં એ યુવક આરજે બને છે અને એના જીવન માં અચાનક આવતી બીજી યુવતી સાથે ના સંબન્ધ ને વાર્તા માં દર્શાવવામાં આવ્યુ છે. “બસ ચા સુધી”ની તમામ સીરીઝ સંદીપ દવે દ્વારા લખવામાં આવી છે અને પ્રિયલ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
“બસ ચા સુધી” નામ રાખવા પાછળનું કારણ જણાવતાં પ્રોડ્યુસર હિરેન દોશી એ કહ્યું કે, “વેબસીરીઝનું નામ નક્કી કર્યાં અગાઉ શૂટિંગ સમયે અમારા દરેક એપિસોડનો અંત “ચા” પર જ થતો હતો, તેથી અમે વિચાર્યું કે વેબસીરીઝનું શીર્ષક “ચા” સાથે સંબંધિત જ રાખવું જોઈએ,તેથી અમે કેટલાક શીર્ષક વિચાર્યા જેમ કે, ‘વિટામિન ટી’, ‘હું, તું અને ચા’ વગેરે.. પરંતુ અંતમાં અમે “બસ ચા સુધી” શીર્ષક રાખવાનું નક્કી કર્યું. અનોખા શીર્ષક અને સારા સ્ટોરી કન્ટેન્ટને કારણે અમારી વેબસીરીઝ્ની બંને સીઝન ઘણી હિટ રહી, તેથી અમે નવા ચેહરા અને નવી સ્ટોરી સાથે આગામી સીઝન લાવવાનું નક્કી કર્યું છે.”
“બસ ચા સુધી” વેબસીરીઝ સિવાય આસ્થા પ્રોડક્શન્સ નવી ગુજરાતી વેબસીરીઝ “આવુંયે થાય” પણ ટૂંક સમયમાં પ્રસ્તુત કરી રહ્યાં છે, જેમાં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના ઘણા જાણીતા ચેહરા જોવા મળશે. આ વેબસીરીઝ પણ રીલેશનશીપ ઉપરજ બનાવવામાં આવી છે જે યુવકોને ખુબજ ગમશે. જે એમેઝોન પ્રાઈમ, શેમારૂ, જીઓ વગેરેમાંથી કોઈ મોટા ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થઈ શકે તેવી શક્યતા છે.