અમદાવાદ : કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં ૩પ જેટલાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના એલાન હેઠળ આજે બેન્કો, કેમિસ્ટો, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ, આંગણવાડી સહિતના કર્મચારીઓ હડતાળ પાડશે. સ્ટેટ બેન્કને બાદ કરતાં શહેરની તમામ સરકારી બેન્કો, પોસ્ટ ઓફિસ, વીમા ઓફિસ અને દવાની દુકાનો પણ આવતીકાલથી બે દિવસ માટે તા.૮ અને ૯ જાન્યુઆરીએ બંધ રહેશે.
બેન્કોથી લઇને ફેકટરીઓ પણ બંધ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાવાની શકયતા છે તો, આમ આદમીને થોડી ઘણી હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ટ્રેડ યુનિયન કાઉન્સિલના એલાન મુજબ, શ્રમ કાયદામાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેન્કોના મર્જર અને ખાનગીકરણ, કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઇઝ ભરતી સહિતની ૧ર માંગણીઓને લઇને હડતાળ પાડવામાં આવી રહી છે. રાજ્યભરના બાંધકામ ઉદ્યોગના મજૂરો, આંગણવાડીની બહેનો, આશાવર્કર બહેનો, ટેક્સટાઇલ અને ડાયમંડના કારીગરો, વીમા કંપનીના કર્મચારીઓ, પોસ્ટ અને ટેલિફોન સહિતના કર્મચારીઓ હડતાળ પર જવાના કારણે નાગરિકોની સામાન્ય સેવાઓ પર તેની અસર પડશે. ૩પ જેટલાં યુનિયનોએ બે દિવસીય હડતાળમાં જોડાવા ખાતરી આપતાં બેન્કોથી લઇને ફેક્ટરીઓ સુધીના ઔદ્યોગિક વિસ્તારો ઠપ થશે, જેનાથી જનજીવન ખોરવાશે. મોંઘવારીના અનુસંધાને મજૂરો અને કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ.૧૮,૦૦૦ હોવું જોઇએ તેવી ૧ર માંગણીઓને લઇને આંદોલન શરૂ કરાયું છે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે, ગત વખતે હડતાળ પાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. તે સમયે સરકારે ઘટતું કરવાની ખાતરી આપી હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી. ૧૧૭ ટ્રેડ યુનિયનો હડતાળમાં જોડાવાનાં હોઇ ર૦ કરોડ કર્મીઓ બે દિવસીય હડતાળ પર રહેશે.
આ હડતાળમાં આંગણવાડીની દોઢ લાખ બહેનો પણ જોડાશે. જ્યારે મજૂરો પણ હડતાળમાં જોડાતાં ઔદ્યોગિક વિસ્તાર સૂમસામ બનશે. પોસ્ટ ઓફિસ, વીમા કચેરીઓ પણ બંધ રહેશે. બાંધકામ સેકટર પણ બે દિવસ બંધ રહેશે. પોસ્ટના કર્મચારીઓએ ખાલી જગ્યાઓ ભરવાની માગણી સહિત જૂની પેન્શન યોજના અમલી બનાવવા માંગ કરી છે. ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા આવતીકાલે હલ્લાબોલ કાર્યક્રમો ઉપરાંત દવાઓની દુકાનો બંધ રાખવાનું એલાન અપાયું છે.
રવિવારની રજાના દિવસે બેન્કો બંધ રહ્યા બાદ આજે એક જ દિવસ બેન્ક ખુલ્લી રહી હતી અને ત્યારબાદ આવતી કાલથી ફરી બે દિવસ સ્ટેટ બેન્ક સિવાયની બેન્કો બંધ રહેશે. આમ, બેંકોથી લઇ ફેકટરીઓ સુધી હડતાળનો માહોલ રહેવાના કારણે બે દિવસ સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શકયતા છે.