અમદાવાદ : ભારતમાં સરકારી ક્ષેત્રની મોટી બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ દેશની સૌથી મોટી પેસેન્જર વ્હીકલ ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ સાથે પ્રિફર્ડ ફાઇનાન્સીયર તરીકે સમજૂતી કરાર (એમઓયુ) કરવાની જાહેરાત કરી હતી. આ ડોક્યુમેન્ટ પર બેંક ઓફ બરોડાનાં એમડી અને સીઇઓ શ્રી પી.એસ.જયકુમાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનાં માર્કેટિંગ એન્ડ સેલ્સનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી શશાંક શ્રીવાસ્તવ વચ્ચે હસ્તાક્ષર થયાં હતાં.
મારુતિ સુઝુકી સાથે બેંક ઓફ બરોડાની પાર્ટનરશિપ ડિલર્સ અને ગ્રાહકો એમ બંને માટે વધારે વિસ્તૃત ધિરાણની તકો પ્રદાન કરે છે, જેનાથી મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનાં સંપૂર્ણ નેટવર્કમાં એની કામગીરી વધશે. ડિલર ફાઇનાન્સિંગ બેંકનાં હાલનાં પ્રોડક્ટ પ્રોગ્રામ સપ્લાય ચેઇન ફાઇનાન્સ મુજબ થશે. આ જોડાણ પર પોતાનાં વિચારો વહેંચતા બેંક ઓફ બરોડાનાં એમડી અને સીઇઓ શ્રી પી.એસ.જયકુમારે કહ્યું હતું કે, અમને ભારતની સૌથી મોટી પેસેન્જર વ્હિકલ ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કરવાની ખુશી છે. ઓટો લોન-કમર્શિયલ ફાઇનાન્સ સેગમેન્ટમાં મોટી તકોને ધ્યાનમાં રાખીને અમને આશા છે કે, આ સમજતી આ સેગમેન્ટ્સમાં અમારી કામગીરીને વધારે મજબૂત કરશે અને ભારતમાં મારુતિ સુઝુકી માટે બજારમાં પહોંચ વધારશે.