અમદાવાદ : શહેર ક્રાઈમ બ્રાન્ચે બાંગ્લાદેશના આતંકી સંગઠન અન્સારૂલલા બાંગલા ટીમ સાથે સંકળાયેલા આતંકવાદી અજોમ શેખ નામના આતંકીની ધરપકડ કરી છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અજોમ શેખ (રહે. જૈન કોઠી મંદિર પાસે, ભરૂચ)ને ઝડપી લીધો હતો. ત્યારબાદ આજે પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, તેણે જમાઈ સહિત ચાર લોકોની હત્યાઓ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં સંડોવાયેલો હોવાથી અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાથી જગ્યા બદલતો રહેતો હતો. જા કે, આખરે ક્રાઇમબ્રાંચના હાથે તે ઝડપાઇ જતાં પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આરોપીએ વિરમગામના અખ્તર નામના એજન્ટ પાસે નકલી આધારકાર્ડ,પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું. અમદાવાદમાં ચંડોળા, જમાલપુર ઉપરાંત, વિરમગામ, જામનગર, કરજણ, ભરૂચ અને આમોદમાં રહેતો હતો. આ ઉપરાંત ક્રાઈમબ્રાન્ચ આરોપી દ્વારા ગુજરાતમાં અન્સારૂલલા બાંગલા ટીમ વતી કોઈ આતંકી પ્રવૃત્તિ કરેલી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. અજોમ શેખે તેના જમાઈ રહીમ અબ્દુલ ગાજી અને બાંગ્લાદેશના કમરકુલાના રહેવાસી બોલાઈ, મુસ્તુફા ગાજી અને ઇમરાન અર્શદ નામના વ્યક્તિની હત્યા કરી હતી. તેણે ચારેયની લાશને પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ દાટી દીધી હતી. બાંગ્લાદેશ પોલીસે ચારમાંથી બે વ્યક્તિની લાશને બહાર કાઢી હતી.
ક્રાઇમબ્રાંચની તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે, આરોપી ખૂબ જ ગંભીર અને ક્રૂર ગુનાહિત માનસિકતા ધરાવે છે અને બાંગ્લાદેશી આંતકવાદી સંગઠનમાં પણ તેની સક્રિય સંડોવણી હોઇ ક્રાઇમબ્રાચે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.