થાઈલેન્ડનું પાટનગર બેંગકોક કે જ્યાં દેશનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દક્ષીણ પૂર્વીય દેશોમાં બેંગકોક એક આગવું મહત્વ ધરાવતું શહેર છે. દરેક પ્રકારના પ્રવાસીઓ માટે કોઈ ને કોઈ આકર્ષણ ધરાવે છે. વિવિધ રંગી લોકોના ટોળા, ઘોંઘાટ ચહલપહલ, ઉત્સાહિત વાતાવરણ, આનંદ, આગવી સંસ્કૃતિ સાથે આધુનીતા આ બધું એકસાથે તમે બેંગકોકમાં અનુભવી શકો છો.
આમ તો અહી ઘણી ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે પણ આપણે તેમાંથી કેટલીક મુખ્ય જગ્યાઓની વાત કરીશું. ચાલો શરુ કરીએ ગ્રાન્ડ પેલેસથી. જ્યાં પણ રાજાશાહી રહી છે ત્યાં પેલેસ એક આગવું આકર્ષણ બની જાય છે. 1782માં બંધાયેલ આ મહેલ ત્યાના રાજાઓનું પેઢીઓ સુધી રહેઠાણ રહ્યું. હજી આજે પણ કેટલાક મહત્વના પ્રસંગો અહી જ ઉજવવામાં આવે છે. અહીના પ્રાંગણમાં જ ‘WAT PHRA KAEO’ આવેલ છે ટુકમાં એક વિશાળ બુદ્ધ પ્રતિમા, આ મૂર્તિ જેડ (JAED) ની બનેલી છે. સ્વાભાવિક છે તે અતિ મુલ્યવાન છે. તમે જયારે પણ કોઈ મંદિર, મઠ કે પેલેસ જોવા જાઓ ત્યારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી. જેવી કે હાથ, પગ ઢંકાય તેવા કપડા પહેરવા, મઠ કે મંદિરમાં જતા પહેલા પગરખા બહાર ઉતારવા. મોટાભાગની હોટલમાંથી અહી આવવા માટે ટુર પણ મળતી હોય છે. તમે જાતે પણ રીક્ષા કરીને આવી શકો. ધ્યાન રાખજો જ્યારે પણ તમે રીક્ષા કરો ત્યારે ભાવ કરજો. આખા થાઇલેન્ડમાં ભાવતાલ કરવા સ્વાભાવિક છે અને જરૂરી પણ છે. તમારા બાર્ગેનીગ પાવર ને વધારીને જજો.
ગ્રાન્ડ પેલેસની બાજુમાં જ ‘WAT PHO’ આવેલ છે. બેંગકોકનું સૌથી જુનું મંદિર જેનું નિર્માણ ત્યાના રાજા રામ 1દ્વારા થયેલું. ત્યાર બાદ રાજા રામ3 એ અહી થાઈ વૈદકીય ફાર્મસીની સ્થાપના કરી. તે આ દેશની સૌથી પ્રથમ યુનિવર્સીટી છે. જો કે સામાન્ય પ્રવાસીઓ તો આ જગ્યાને સુતેલા બુદ્ધની પ્રતિમાથી વધારે ઓળખે છે. અહી વિશાળ બુદ્ધ પ્રતિમા સુતેલી અવસ્થામાં છે. શાંત, સાત્વિકતાનું સુંદર દર્શન થાય છે.ચાલો પાછા બુદ્ધ ભગવાનની શરણમાં. ઓલ્ડ સીટીમાં આવેલું ‘WAT PHO’ એક અતિ વિશાળ મંદિર પરિસર છે. અહી ૪૬ મીટર લાંબી,૧૫ મીટર ઉચી સુતેલી સ્થિતિ માં બુદ્ધ મૂર્તિ આવેલી છે. મૂર્તિના પગ 5મીટર લાંબા છે. અને તેને મોતીની છીપથી સુશોભિત કરેલા છે તેની સંખ્યા 108 છે જે બુદ્ધના સદગુણોની સાથે સરખાવેલા છે. ‘WAT PHO’ એ માત્ર મંદિર નથી તે થાઈલેન્ડની સૌથી પહેલી યુનિવર્સીટી પણ છે. ત્યાં ધર્મ, વિજ્ઞાન અને સાહિત્ય ભણાવાય છે. અને હવે તો તે આયુર્વેદિક મેડીસીન, યોગ તથા મસાજ થેરાપી શીખવાનું મોટું સેન્ટર બની ગયું છે. મારે કહેવું પડશે કે ત્યાં ફી ઘણી વધારે છે.
ત્યાંથી આગળ ચાલો ને જુઓ ‘WAT ARUN’, આ મદિર‘CHOPHRAYA’ નદીના પશ્ચિમી કાંઠે આવેલું છે. આખા બેન્ગકોકમાં આ સૌથી અદભુત મંદિર છે. તેનું સ્થાપત્ય અન્ય મંદિરો કરતા ખુબ જુદું છે. નદી કિનારો મંદિરના સૌન્દર્યમાં વધારો કરે છે. અહી આવવા માટે SAPPHANTAKSIN બોટ સ્ટેશનથી સ્થાનિક બોટમાં આવી શકાય છે. સાંજના 5.30 સમયે મંદિર બંધ થઇ જાય છે. મંદિરની પ્રવેશ ફી 100 BATH છે. આ મંદિરનું સૌથી સુંદર રૂપ તો સંધ્યા સમયે જોવાની મજા આવે છે. તેમાય જો તમે ત્યારે નદીમાં બોટિંગ કરતા હો તો ખરેખર મજા આવી જાય.
મંદિરનું પવિત્ર વાતાવરણ માણ્યું તો હવે ચાલો જારા જુદા પ્રકારની મજા કરવા. સામાન્ય રીતે આપણે ખુલ્લી બજારો, બાંધેલી માર્કેટો કે મોલ જોયા છે. પણ આજે હું વાત કરવાની છું ફ્લોટિંગ માર્કેટની, હા તમે બરાબર સમજ્યા તરતી બજાર. સ્વાભાવિક છે કે તરતી બજાર જોવાની એટલે મોટા પ્રમાણમાં જળરાશી હોવીજ જોઈએ.અહી નદીનો ઉપયોગ માત્ર વાહન વ્યવહાર માટેજ નથી થતો. બેંગકોકથી લગભગ એકાદ કલાકની ડ્રાઈવ પર આ માર્કેટ આવેલી છે. લગભગ 3 ફ્લોટિંગ માર્કેટ છે. નદીની અંદર નાની નાની હોડીઓમાં સ્થાનિક ફળો, શાકભાજી, જ્યુસ, નાળીયેર પાણી, સ્થાનિક થાઈ વાનગીઓ જે તમને હોડીના તરતા રસોડામાં તાજી બનાવી આપે. તમારે પણ કોઈ હોડી ભાડે લેવાની અને નદીમાં સેર કરતા કરતા ખરીદી કરવાની, ખાણી-પીણી કરતા કરતા મજા માણવાની. છે ને નવો આઈડિયા સર જી!!! ગાઈડેડ બોટ ટુર પણ મળી શકે છે. તેમાં સમયની પાબંદી રહે તે સ્વાભાવિક છે. અહીનું વાતાવરણ એટલું દર્શનીય છે કે તમે ફોટો પડવાનું ભૂલી જ ના શકો.
આ ઉપરાંત CHATUCHAK WEEKEND MARKETમાં પણ એક ચક્કર લગાવવા જેવું છે. આ માર્કેટ શરુ થાય ત્યારે તે હોલસેલ માર્કેટ હતી, પણ હવે તો તે દરેક લોકો માટે ખુલ્લી છે. અહી 8000થી વધારેસ્ટોર આવેલછે. અને રોજના બેલાખ લોકો આ માર્કેટની મુલાકાત લે છે.KHAOSAN ROAD આપણ એક આધુનિક અનેધમધમતું બજાર છે. દુનિયાના દરેક ખૂણે ખૂણેથી આવેલા પ્રવાસીઓની અહી ચહલ પહલ જોવા મળે છે. ઈલેક્ટ્રીક માર્કેટ સ્ટોલ,VW કોકટેલ બાર, પાશ્ચાત્ય વાનગીના ફૂડ સ્ટોલ, વિવિધ પરિધાનના સ્ટોર આમ અહીનો માહોલ તમને પૂરી રીતે આધુનિક દુનિયામાં ડોકિયું કરાવે છે. બેંગકોક વિષે તો ઘણું લખી શકાય તેમ છે. પણ દોસ્તો હવે તમે જવાનું નક્કીજ કરો છો તો જાતે જઈને અનુભવ મેળવો તે જ વધારે સારું છે. પણ યાદ રાખજો માત્ર બેંગકોક એકજ ફરવાની જગ્યા નથી થાઈલેન્ડ માં હજીતો ઘણી મજા કરવાની બાકી છે. તે દરેક સ્થળની માહિતી હવે પછીના રવિવારે…ત્યાં સુધી…આવજો…
– નિસ્પૃહા દેસાઇ