દાદાજી આજે શાંતિથી બેઠા હતા. ઠંડીને લીધે શાલ ઓઢીને રાખતા હતા. ટેબલ ઉપર ભાગવદનું પુસ્તક મૂકેલ હતું. બાજુના કબાટમાં vતેમને ગમતાં બીજાં પણ ધાર્મિક અને સામાજિક પુસ્તકો સરસ રીતે ગોઠવેલાં હતાં. તેમનો રૂમ એકદમ સ્વચ્છ હતો. દાદાજીના પલંગની બીજી તરફ રાખેલા એક ટેબલ પર લેન્ડ લાઇન ફોન પણ મૂકેલ હતો, અત્યારના યુગ પ્રમાણે દાદાજીને મોબાઇલ ફોન ઉપર પણ વાત કરવાનું ફાવી ગયું હતું.
દાદાજીએ પહેરેલાં કપડાં એકદમ સ્વચ્છ હતાં અને એની સફેદી આપણને આકર્ષિત કરે તેવી હતી. દાદાજી નિવૃત્ત સરકારી અધિકારી હતા. જીલ્લા કક્ષાના મોટા મહેસૂલી અધિકારીના પદ પરથી નિવૃત્ત થયેલા હતા. એમની ભાષા સરળ હતી, બોલવાની ઢબ અને સમજાવવાની પદ્ધતિ પણ સરસ હતી. દાદાજીની પાસે બેસવાનું અને વાતો કરવાનું સૌને ગમે એવા આ દાદાજી હતા. દાદાને એમના મોટા દીકરા ની વહુ અનન્યા પર ભારે પ્રેમ…. અને અનન્યાને પણ પરણીને આવી ત્યારથી એના સસરાનું એવું ધ્યાન રાખેલ જાણે એક દીકરી એના પિતાજીને સાચવતી ન હોય !!!!!
મોટા દીકરાનું નામ ચંદ્રકાંત હતું પણ ગામમાં મોટે ભાગે બધા ચંદુભાઇ જ કહેતા. દાદા પણ મોટા દીકરાના લગ્ન પછી “ચંદુભઇ “ શબ્દ પ્રયોગ કરતા, આ સાંભળી ચંદ્રકાંતે અનન્યાને કહેલું,
“ તારા આવવાથી બાપુજી જે મને પહેલાં ચંદુ કહેતા તે હવે ચંદુભાઇ કહીને બોલાવે છે… તારા આવેથી જાણે કે મને પ્રમોશન ના મળ્યું હોય… “
એ વખતે અનન્યા શરમાઇ ગયેલી. ચંદ્રકાંતની વહુ અનન્યા નો દીકરો સ્વીટુ દાદાજીને “દાદા” કહેતો થયો ત્યારથી ગામ લોકો અને ઘરનાં બધાં અનન્યા સમેત એમને દાદા કહીને જ બોલાવતાં, અને પાછું દાદાને કોઇ કાકા કે અંકલને બદલે દાદા કહે એ બહુ જ ગમતું. હું એમની પડોશમાં રહું એટલે આ બધી માહિતિથી વાકેફ. પહેલાં તો દાદા નોકરી કરતા એટલે બહાર રહેતા પણ હવે નિવૃત્ત થયા પછી અમારા ગામનું તેમનું મકાન સુધરાવીને ગામમાં જ રહેતા હતા. અને તેમના નોકરીના અનુભવ આધારે ગામના કે અન્ય કોઇ લોકોને કોઇ સરકારી પ્રશ્ન હોય તો માર્ગ દર્શન અને જરૂરી સમજણ પાડતા..
ગામલોકો દાદાજી પાસે બેસવા આવે ત્યારે એમની વાતો ફરતી ફરતી અનન્યા ભાભી ઉપર આવીને જ અટકીજાય !! ખરેખર અનન્યા ભાભીનું જીવન ગામની અન્ય તમામ સ્ત્રીઓ માટે આદર્શ ઉદાહરણ સમાન હતું. એમનું વ્યક્તિત્વ નિરાળુ અને નિરાભિમાની હતું . આવી પત્ની પામીને ચંદ્રકાંતભાઇ પણ હંમેશાં પ્રસન્ન રહેતા…અનન્યાએ તેનાં સાસુના અવસાન પછી દાદાજીને સાચવવામાં કશી જ કમી આવા દીધી ન હ્તી. કોઇકે દાદાજીને પૂછ્યું કે તમે ચંદ્રકાંતભાઇ માટે અનન્યા ભાભીની પસંદગી કેવી રીતે કરી હતી ??
— તો આ સવાલ સાંભળી દાદાજી વિચારમાં પડી જતા. એમને થતું જવાબ દેવો કે ન દેવો?? પણ પછી એમને થયું કે જવાબ આપવાથી બધા ખુશ જ થવાનાછે તો જવાબ આપી જ દઉં. એમ વિચારી એમણે કહેલું,
” ભાઇ એ વખતે હું મામલતદાર રતરીકે નોકરી કરતો ને એક રાત્રે એક ગામે તલાટીના દફતરની તપાસ માટે ગયેલ ત્યારે તલાટી અમારા સમાજના જ હોવથી રાત્રે એમના ઘરે જમવા તેડી ગયેલા. એમના ઘેર જમતા પહેલાં બહાર આંગણામાં ખુરશીમાં બેઠા હતા ત્યારે બે ચાર છોકરીઓ ત્યાં પેલું જમીન પર પાટા દોરીને નાની ઠીકરી નાખીને વારાફરતી કૂદતા કૂદતી લંગડી લઇને રમત રમે છે એવી રમત ( કદાચ એને સાતોડિયુ કહે છે ) રમતી હતી ત્યારે એમાં કશું ક વાંકું પડતાં બે છોકરીઓ લડવા મંડી ને પછી રડવા માંડી તો બીજી એક થોડી મોટી દીકરીએ એમને છાની રાખી,સમજાવી, પટાવી ને વ્હાલ કરીને પાછી હસતી રમતી કરી દીધી…. એણે એ છોકરીઓને એવી તો ખુશ કરી દીધી કે બસ હું તો એ બધુ જોતો જ રહી ગયો… અહીં જે દીકરીએ પેલી કજિયાળી છોકરીઓને મનાવી સમજાવી ને હસતી રમતી કરી હતી તે દીકરી મને બહુ ગમી ગઇ..પછી તો મને ખબર પડી કે એ દીકરી તો અમારા તલાટી સાહેબની અનન્યા જ હતી
અને મેં તો એ દહાડે જે એ છોકરી આપણા ચંદુભાઇ માટે મનમાં પાસ કરી દીધેલી હોં…”
દાદાની વાત સાંભળ્યા પછી સ્પષ્ટ થાય છે કે તેમણે એ નાનકડી છોકરીની બીજાંને ખુશ કરીને ખુશ થવાની ભાવના પારખી લીધી હતી.. અને એને જ એમની વહુ બનાવવાનો એમનો તે વખતનો નિર્ણય કેટલો સાચો સાબિત થયો હતો..!! ખરેખર સ્ત્રીને ભગવાને જે ગુણ આપ્યા છે તેમાં બધાંને ખુશ કરીને જ પોતે ખુશ થવાનો જે ગુણ આપ્યો છે તે ઘણો જ મહત્વનો છે. દરેક સ્ત્રીમાં આ ગુણ પડેલો હોય જ છે..જરૂર છે એ ગુણને તે સ્ત્રીએ બહાર લાવીને ચરિતાર્થ કરવાની…બધી જ સ્ત્રીઓ આવું કરતી થઇ જાય તો ???
- અનંત પટેલ