નવી દિલ્હી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને કેટલાક પ્રશ્નો કર્યા છે. એપ્રિલ મહિના સુધી કઇ રીતે સુનાવણી કરવામાં આવશે તે અંગે માહિતી આપવા માટે ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટે સુચના આપી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેમજ અન્ય નેતા આ મામલામાં આરોપી છે.
એપ્રિલ ૨૦૧૯ સુધી કેસમાં કઇ રીતે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવશે તે અંગે રિપોર્ટ આપવા અને પૂર્ણ પ્લાન રજૂ કરવા માટે ટ્રાયલ કોર્ટને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલામાં સુનાવણી પૂર્ણ કરવા માટે એપ્રિલ મહિનાની મહેતલ નક્કી કરી છે.
જસ્ટીસ આરએફ નરિમન અને ઇન્દુ મલહોત્રાની બનેલી બેંચે આ મામલાની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ સીબીઆઇ જજ એકે યાદવની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. યાદવ દ્વારા પોતાની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અયોધ્યા મામલામાં ચાલી રહેલી સુનાવણીના કારણે તેમના પ્રમોશનની પ્રક્રિયા અટવાઇ પડી છે.
જજ યાદવે કહ્યુ છે કે તેમના પ્રમોશન અનેટ્રાન્સફર પર રોક માટે કારણ સુપ્રીમ કોર્ટના આદેશ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રાયલના કારણે તેમને બદલી શકાય નહી. સુપ્રીમ કોર્ટે છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે કારસેવકો ની તરફથી મસ્જિદને તોડી પાડવાના મામલામાં વહેલી તકે સુનાવણીના ઇરાદાથી આ આદેશ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટ આગામી વર્ષે એપ્રિલ સુધી કઇ રીતે તે મામલામાં સુનાવણી પૂર્ણ કરી લેશે તે અંગે માહિતી આપે તે જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં ટોપ ભાજપના નેતા સહિત તમામ આરોપીઓની સામે કેસ ચલાવવા માટેના આદેશ કર્યા છે. આ મામલામાં સુનાવણી હાલમાં લખનૌ અને રાયબરેલીમાં ચાલી રહી છે. કેસ ખુબ જ સંવેદનશીલ હોવાથી સાવચેતી જરૂરી છે.