બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમના આગમન સમયે સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. બાબા બાગેશ્વરે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સાથે જ બાબા બાગેશ્વરે સંતો સાથે મુલાકાત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિરથી બાગેશ્વર સરકાર જનકલ્યાણ હોલ જશે. જ્યાં તેઓ અલગ-અલગ સંસ્થાના આગેવાનો અને લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. લગભગ સાંજે ૬ વાગ્યા આસપાસ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજીત દિવ્ય દરબારમાં પહોંચશે
. દિવ્ય દરબાર પૂર્ણ કર્યા બાદ લગભગ ૧૧ વાગે તેઓ ફરી જનકલ્યાણ હોલ જશે અને ત્યાં સંસ્થાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે રાજકોટમાં છે. સુરત અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દરબાર લાગશે. બાગેશ્વર સરકારના દરબારમાં જોડાવા ભક્તો આતુર છે અને બીજી તરફ બે દિવસીય દરબારની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જૂનાગઢ ગયા અને ત્યાંથી સાંજે રાજકોટ પહોંચ્યા હતા.