આયુર્વેદ ઇલાજની બોલબાલા હાલના સમયમાં સતત વધી છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  આજે સમાજમાં વધતા જતા રોગો અને બિમારીઓને નાથવા આડેધડ એલોપેથીનો મારો અને તેનો દૂરપયોગ લોકો પર થઇ રહ્યો છે ત્યારે તેવા સમયે ભારતની પ્રાચીન અને એક વૈજ્ઞાનિક સંસ્કાર સમી આયુર્વેદ સારવાર બહુ આશીર્વાદ સમાન બની રહે તેમ છે. આજના સમયમાં લોકોની જીવનશૈલી, આહાર અને વિચારની પધ્ધતિ બદલાઇ ગઇ છે, જેની સીધી અસર તેમના જીવન અને આરોગ્ય પર પડે છે પરંતુ આયુર્વેદમાં તેના ઉપચાર અને સારવાર સચોટ અને પરિણામલક્ષી રીતે દર્શાવેલા છે. તેના કારણે જ આજે વિશ્વભરમાં આયુર્વેદની બહુ મોટી ડિમાન્ડ વધી છે. આયુર્વેદના વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ  અને જાણકારીને લઇ સરકાર દ્વારા તે અંગેના અભ્યાસક્રમમાં પણ જરૂરી ફેરફાર કરવો એ આજના સમયની માંગ બની છે એમ અમદાવાદની મુલાકાતે આવેલા આધુનિક યુગના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડો.બાલાજી તાંબેએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, એસઓએમ ગ્રુપ અમદાવાદ દ્વારા શ્રી ગુરુ ડો. બાલાજી તાંબેના  આયુર્વેદ- એક વૈજ્ઞાનિક સંસ્કાર વિષય પર  ૧૫મી ડિસેમ્બર ના રોજ સાંજે ૬ કલાકે ગુજરાત યુનિવર્સીટી સેનેટ હોલ ખાતે ખાસ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.

આધુનિક યુગના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય   ડો બાલાજી તાંબે  દ્વારા સ્થાપિત કાર્લા (મહારાષ્ટ્ર) ખાતે સ્થિત આત્મ સંતુલન વિલેજ અને ગલાયસન (જર્મની)ખાતે  સ્થિત સંતુલન ઓમ ક્યોર સેન્ટર દુનિયાભરમાં પંચકર્મ અને સંતુલન થેરાપી માટે પ્રસિદ્ધ છે. વિશ્વપ્રસિધ્ધ આયુર્વેદાચાર્ય ડો. બાલાજી તાંબેએ  આ અંગે જણાવ્યું કે, હું આવતીકાલના મારા વાર્તાલાપમાં લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આયુર્વેદ  વિજ્ઞાનની દ્રષ્ટિએ પુરવાર છે અને કઈ રીતે એલોપેથીની સરખામણીએ આયુર્વેદ વધુ અસરકારક છે. અત્યારે લોકા ના મન માં આયુર્વેદ માટે અનેક પ્રશ્નો છે કે આયુર્વેદ એ ખુબજ ધીમી પ્રક્રિયા છે પરંતુ એવું નથી અમે આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોની આ માનસિકતા બદલવા માંગીએ છીએ. ડો.તાંબેએ ઉમેર્યું કે, તેઓ છેલ્લા ૫૦ વર્ષોથી આયુર્વેદ, પંચકર્મ,બેલેન્સ થેરાપી કરી રહ્યા છે અને શીખવી પણ રહ્યા છે.

વાત, પિત્ત, અને કફ ઇનબેલેન્સ થવાથી અનેક પ્રકારના રોગો થાય છે ત્યારે બેલેન્સ થેરાપીની મદદથી બોડી ડિટોક્સિફાઇડ કરવામાં આવે છે જેના માટે યોગ્ય ડાયટ પ્લાન બનાવવામાં આવે છે અને અનેક રોગોથી બચી શકાય છે.પંચકર્મ એ અત્યારના સમયમાં શ્રેષ્ઠ છે જેના વિષે તેઓ આવતીકાલના વાર્તાલાપમાં વિસ્તારપૂર્વક માહિતી આપશે. આપણી આવનારી પેઢી કઈ રીતે હેલ્થી રહી શકે તેના પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહયા છીએ અને તેઓ આપણો આયુર્વેદના વારસો જાળવે અને તેને આગળ ધપાવે તે દિશામાં બહુ અસરકારક પ્રયાસો તેઓ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આયુર્વેદના શિક્ષકો, અને અનેક જુદા જુદા ફિલ્ડના લોકો ઉપસ્થિત રહેશે. અંદાજે ૨૦૦૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી શકયતા છે

Share This Article