અવાદા ગ્રુપે ગુજરાત સરકાર સાથે રૂ. 36,000 કરોડના એમઓયુ કર્યા

Rudra
By Rudra 3 Min Read

ગાંધીનગર : વૈવિધ્યપૂર્ણ ઊર્જા ક્ષેત્રે કાર્યરત ઔદ્યોગિક જૂથ અવાદા ગ્રુપે ગુજરાતમાં સૌર ઊર્જા, પવન ઊર્જા અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ્સમાં રૂ. 36,000 કરોડની રકમનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2025 ખાતે કરાયેલા આ એમઓયુ ભારતના ગ્રીન ઊર્જા તરફના સંક્રમણને આગળ વધારવા તથા સ્વચ્છ અને ટકાઉ ઊર્જા માટેના કેન્દ્ર બનવાના ગુજરાતના વિઝનને ટેકો આપવામાં કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

આ કરાર હેઠળ અવાદા ગ્રુપ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 5 ગિગાવોટ ક્ષમતાના સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ, 1 ગિગાવોટ ક્ષમતાનો પવન ઊર્જા પ્રોજેક્ટ તથા 5 GWh ક્ષમતાના BESS પ્રોજેક્ટ્સ સ્થાપશે. આનાથી ગ્રીન પાવરના વિતરણ તથા પૂરતા સ્ટોરેજ સુનિશ્ચિત કરવા સાથે ગ્રીડની વિશ્વસનીયતા વધારવામાં મદદ મળશે. આ બધા જ પ્રોજેક્ટ્સ 2027-2030 સુધીમાં શરૂ થાય તેવી ધારણા છે.

આ પ્રોજેક્ટ્સ સાથે મળીને રાજ્યમાં 1,000થી વધુ પ્રત્યક્ષ અને 2,000 જેટલી પરોક્ષ ગ્રીન જૉબ્સ ઊભી કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ્સ બાંધકામના તબક્કા દરમિયાન લગભગ 5,000 લોકો માટે નોકરીની તકો ઊભી કરે તેવી શક્યતા છે.

ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલજીએ જણાવ્યું હતું કે “અવાદા ગ્રુપે 16 વર્ષ પહેલા તેનો પહેલો 40 મેગાવોટનો એમઓયુ સાઇન કર્યો હતો ત્યારથી તે ગુજરાતની પુનઃવપરાશી ઊર્જાની સફરમાં એક વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે. સૌર ઊર્જા, પવન ઊર્જા અને બેટરી સ્ટોરેજમાં તેમનું નવું રૂ. 36,000 કરોડનું રોકાણ ટકાઉ વૃદ્ધિ માટે અમારા સહિયારા વિઝનને વધુ મજબૂત બનાવે છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે કારણ કે વિકસિત ભારત અંગેના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવા માટે અવિરતપણે ગ્રીન પાવર મળવો ખૂબ જરૂરી છે.”

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીજીએ જણાવ્યું હતું કે “ઊર્જા સ્વતંત્રતા તરફની ભારતની સફર આ પ્રકારની દૂરંદેશીભરી ભાગીદારીઓ તથા મોટાપાયે રોકાણો દ્વારા મજબૂત બની છે. ગુજરાતમાં મોટાપાયે સૌર ઊર્જા, પવન ઊર્જા અને બેટરી સ્ટોરેજ કેપેસિટી ઊભી કરવા માટે અવાદા ગ્રુપની પ્રતિબદ્ધતા ન કેવળ આપણી ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે પરંતુ 2070 સુધીમાં નેટ ઝીરો અને આત્મનિર્ભર ભારતના માનનીય વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં પણ મદદ કરશે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય આવી પહેલનું સ્વાગત કરે છે જે નવીનતા, ટકાઉપણા અને રોજગારી સર્જનને એક કરે છે અને સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં ભારતને ગ્લોબલ લીડર બનાવે છે.”

અવાદા ગ્રુપના ચેરમેન વિનીત મિત્તલે જણાવ્યું હતું કે “અમારી સૌર ઊર્જા તરફની યાત્રા ગુજરાતમાં ભારતના સૌપ્રથમ મોટા પાયે, ગ્રાઉન્ડ- માઉન્ટેડ 15 MWp ના સોલર પ્લાન્ટથી શરૂ થઈ હતી. આ એમઓયુ પર હસ્તાક્ષર કરવા સાથે અમે ગુજરાત સરકાર સાથે ટકાઉ વિકાસ તરફની તેની સફરમાં ભાગીદારી કરવામાં ગર્વ અનુભવીએ છીએ. અમારું માનવું છે કે આ રોકાણ ભારતની પુનઃવપરાશી ઊર્જા મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા, ઊર્જા સુરક્ષા વધારવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તરફનું વધુ એક પગલું છે. અવાદા ગ્રુપમાં, અમે ઊર્જાના તમામ પુનઃવપરાશી સ્ત્રોતોનો વિસ્તાર કરવા અને તેને પરંપરાગત વીજળી જેટલા વિશ્વસનીય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી પોસાય તેવા ભાવે ચોવીસે કલાક ગ્રીન પાવર પૂરો પાડી શકાય અને એક ટકાઉ, આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય.”

Share This Article