અમદાવાદ : ઔડાના સત્તાવાળાઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ) માટેના આવાસ માટે અરજીપત્રક મેળવવાની અગાઉની તા.ર૬ નવેમ્બર, ર૦૧૮ની છેલ્લી તારીખની મુદતમાં દિવાળીના તહેવારોની જાહેર રજાઓ વગેરે કારણસર વધારો કરાયો છે. હવે આ માટે અરજદાર સંબંધિત ખાનગી બેન્કમાંથી આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી અરજી મેળવી શકશે. બોપલની ટીપી નં.૩ના ફાઇનલ પ્લોટ નં.રપ૦માં ઔડા દ્વારા લોઅર મિડલ ઇન્કમ (એલઆઇજી) આવાસ હેઠળ કુલ ર૧૦ આવાસનું નિર્માણ કરાશે.
આ માટે કુલ ૪૮,૦૦૦ અરજી તંત્રને મળી છે. જા કે, એલઆઇજી આવાસની અરજીના મામલે કોઇ મુદત વધારો કરાયો નથી. બીજી તરફ બોપલમાં ર૪પ, ભાટમાં ર૬૬, કોટેશ્વરમાં ર૬૬ અને અમિયાપુરમાં ર૬૬ મળીને ઇડબ્લ્યુએસના કુલ ૮૪૭ આવાસ માટે અરજી મેળવવાની છેલ્લી તા.૧૦ ડિસેમ્બર સુધી લંબાવાઇ છે. આ અરજી ભરીને સંબંધિત ખાનગી બેન્કમાં જમા કરવાની છેલ્લી તા.ર૧ ડિસેમ્બર છે.
બોપલમાં એલઆઇજી અને ઇડબ્લ્યુએસના નિર્માણ પાછળ રૂ.ર૭.૬૦ કરોડ ખર્ચાશે. જ્યારે ભાટમાં રૂ.રપ.૬૭ કરોડ, કોટેશ્વરમાં રૂ.૭.પર કરોડ અને અમિયાપુરમાં રૂ.ર૩.૩૦ કરોડ ખર્ચાશે. ઇડબ્લ્યુએસ આવાસમાં અરજી માટે રૂ.૧૦૦ અને રૂ.૭પ૦૦ ડિપોઝિટ પેટે ભરવાના થતા હોઇ આશરે ૪૦ ચોરસ મીટરના પ્રત્યેક આવાસ બનાવવા રૂ.૬ લાખ ખર્ચાશે અને તમામ આવાસ આગામી ર૦ર૧ સુધી તૈયાર થઇ જશે.