ન્યૂ ગોતામાં ૧૦ વર્ષની છોકરી અને ૧૦ વર્ષના છોકરાના અપહરણના પ્રયાસની ઘટના બની હતી. બંને ઘટનામાં લોકો ભેગા થઇ જતા અપહરણકારોને સફળતા મળી ન હતી. જ્યારે છોકરાનું અપહરણ કરવા આવેલી ટોળકીના એક સભ્યને લોકોએ પકડીને માર મારીને પોલીસને સોંપી દીધો હતો. છોકરીના અપહરણના પ્રયાસમાં ઈકો ગાડીમાં આવેલા ૨ માણસ ભાગી ગયા હતા. એક દિવસમાં ૨ બાળકોના અપહરણના પ્રયાસની ઘટનાથી લોકોમાં ભય છે.
ન્યૂ ગોતાની એક સોસાયટીમાં રહેતી ૧૦ વર્ષની છોકરી કોલ્ડડ્રિંક્સ લેવા બહાર નીકળી હતી. તે પાછી સોસાયટીમાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં આવેલા ૨ માણસોએ તેનો હાથ ખેંચી ગાડીમાં ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છોકરીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા જતા બંને અપહરણકારો છોકરીને ત્યાં જ છોડી દઈ ભાગી ગયા હતા. છોકરી જીવ બચાવવા દુકાનમાં છુપાઈ ગઈ હતી. જ્યારે બીજી બાજુ આ જ સમયે ન્યૂ ગોતામાં આવેલા હનુમાન મંદિર પાસે આવેલી એક ટોળકીએ ૧૦ વર્ષના છોકરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં છોકરાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા એક આરોપી પકડાયો હતો. તેની સ્થાનિક રહીશોએ અસહ્ય ધોલાઈ કરીને સોલા પોલીસને સોંપી દીધો હતો. આ અંગે પીઆઈ એન.આર.વાઘેલાએ જણાવ્યું કે, બંને ઘટનામાં કોઈએ ફરિયાદ આપી નહીં હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અપહરણના પ્રયાસની ૨ ઘટનાના અંગે ગોતા, સોલા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, ચાણકયાપુરી, એસજી હાઈવે સહિતની સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ૬૦૦ થી ૭૦૦ સોસાયટીના વોટસએપ ગ્રૂપમાં મેસેજ વહેતા થયા હતા. જેના કારણે બાળકોને એકલા સોસાયટીની બહાર નહીં જવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ સોસાયટીમાં આવતા દરેકની મેઈન ગેટ ઉપર રજિસ્ટરમાં એન્ટ્રી કરવા સિક્યુરિટીને કહેવાયું હતું.