અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્ધારા વારંવાર નવા-નવા અખતરા કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્રવેશોત્સવથી લઇ ગુણોત્સવ સાથે વિવિધ કલા-કારીગરી શીખવાડવાની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે દેશભક્તિનાં પાઠ શીખવાડવા દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પુરતી વખતે પ્રેઝેન્ટ સર કે યસ સર..ના બદલે જયભારત કે જયહિન્દ બોલાવવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ બળવત્તર બનાવવાના ઉમદા આશયથી આ નવતર પ્રયોગ લાગુ કરવામાં આવશે.
ટૂંક સમયમાં જ રાજયની શાળાઓમાં તેની અમલવારી કરવામાં આવશે એમ સરકાર દ્વારા સ્પષ્ટ કરાયું હતું. ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્ધારા ઘણાં વર્ષોથી અનેકવિધ અખતરા કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુણોત્સવ સાથે વિવિધ કલા-કારીગરી શીખવાડવાની તાલીમ બાદ હવે દેશપ્રેમની ભાવના જગાડવા રાજસ્થાનનો પ્રયોગ અજમાવવામાં આવશે. જા કે વર્ષો અગાઉથી ગુજરાત રાજ્યની કેટલીક શાળાઓમાં પણ આ પ્રથા ચાલી રહી છે. રાજ્યની દરેક શાળાઓમાં શિક્ષક દ્ધારા પૂરવામાં આવતી હાજરીમાં વિદ્યાર્થી પ્રેઝન્ટ સર કે યસ સર બોલે છે. તેના બદલે હવે બાળકોમાં દેશપ્રેમની ભાવના જગાડવા માટે વિદ્યાર્થીને જાયભારત કે જયહિન્દ બોલાવવાનું આયોજન સરકાર દ્ધારા હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના શિક્ષજમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં દેશભક્તિનું સિંચન કરવા માટે આ એક શ્રેષ્ઠ માર્ગ હોવાથી તેનાં અમલ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે ગુજરાત રાજ્યમાં ઘણી શાળાઓમાં આ પ્રયોગ વર્ષોથી ચાલી રહ્યો છે. જયારે રાજસ્થાનની દરેક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આ જ પદ્ધતિ ચાલી રહી છે. દરેક શાળામાં શિક્ષણની સાથે મળતા વાણી, વિચાર અને વર્તનની બાળક પર સીધી અને ઘેરી અસર પડતી હોય છે. આથી આવી નાની બાબતથી પણ બાળપણમાં જ દેશપ્રેમના પાઠ શીખવાડવા આ નવતર પ્રથા ટૂંકમાં જ અમલી બનવવામાં આવશે. સરકાર શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને વિદ્યાર્થીઓમાં સારા ગુણોનો વિકાસ અને સિંચન કરવા કટિબધ્ધ છે.