નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વોડાફોન-આઈડિયા સેલ્યુલરના મેગા મર્જરને અંતિમ લીલીઝંડી આપી દીધી છે. આની સાથે જ ૩૫ ટકા માર્કેટ હિસ્સેદારી અને આશરે ૪૩૦ મિલિયન ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની બનવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. વોડા-આઇડિયા ભારતની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની હવે બનશે.
આઇડિયા સેલ્યુલર અને વોડાફોને હાલમાં જ તેમના મોબાઇલ બિઝનેસને મર્જ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન દ્વારા મુકવામાં આવેલી શરત મુજબ ૭૨.૬૮ અબજ રૂપિયાની સંયુક્ત ચુકવણી કરી હતી. આની સાથે જ લીલીઝંડી મળી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયા સેલ્યુલરે મંગળવારના દિવસે ૭૨ અબજ રૂપિયા રોકડ અને બેંક ગેરંટીમાં ચુકવી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવેલી સ્પેક્ટ્રમ ચાર્જની માંગને લઇને કોઇ દુવિધા રહી ન હતી. કંપનીઓએ વન ટાઈમ સ્પેક્ટ્રમ ચાર્જ માટે ૩૩.૨૨ અબજ રૂપિયાની બેંક ગેરંટી આપી દીધી હતી. આ ઉપરાંl સ્પેક્ટ્રમ માટે ૩૯.૨૬ અબજ રૂપિયા રોકડમાં આપી દીધા હતા. ચુકવણી કરવામાં આવ્યા બાદ વોડાફોન-આઈડિયા નામની નવી કંપની ટૂંક સમયમાં જ શરૂ થઇ શકશે.
વોડાફોન-આઇડિયા મર્જરને અંતિમ લીલીઝંડી મળી ગયા બાદ બજારમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. રિલાયન્સ દ્વારા માર્કેટમાં એન્ટ્રી કરવામાં આવ્યા બાદથી એક પછી એક કંપનીઓ સામે મુશ્કેલી આવી રહી છે. મોટી કંપનીઓ મર્જ થઇ રહી છે. આગામી દિવસોમાં વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ વચ્ચે સ્પર્ધા જામશે. બ્રિટનમાં હેડક્વાર્ટર ધરાવનાર મહાકાય ટેલિકોમ કંપની વોડાફોને ગયા વર્ષે માર્ચ મહિનામાં કુમાર મંગલમ બિરલાના નેતૃત્વમાં આઈડિયા સેલ્યુલર સાથે તેના ઇન્ડિયા ઓપરેશનને મર્જ કરવાની જાહેરાત કરી હતી.
કંપનીઓ જુનના અંત સુધીમાં મર્જરને પૂર્ણ કરવા માટે ઇચ્છુક હતી પરંતુ આ પ્રક્રિયામાં એક મહિના સુધીનો વિલંબ પહેલાથી જ થઇ ચુક્યો છે. સેબી અને શેરબજાર સાથે સંબંધિત સંસ્થાઓની મંજુરી મર્જરને મળી ચુકી છે. જુલાઈ ૨૦૧૭માં સીસીઆઈ દ્વારા સંયુક્ત ઓપરેશનને આગળ વધારવા માટે કંપનીઓને મંજુરી આપી હતી. જાન્યુઆરી ૨૦૧૮માં જ એનસીએલટી તરફથી પણ મંજુરી મળી ગઈ હતી. ડોટે શરતીરીતે મંજુરી આપીને અંતિમ મંજુરી માટે ૭૨ અબજ રૂપિયાની માંગ કરી હતી. આ ૭૨ અબજ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે માંગવામાં આવ્યા છે. એક સપ્તાહ અગાઉ ડોટના સંકેત બાદથી જ મર્જરને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ચુક્યો છે.