આણંદ: ભારત સરકારના સુરક્ષિત ખાદ્ય અભિયાન દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે પાંચમી એશિયા કવીઝ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ફુડ પ્રોસેસીંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં ગુજરાત અને રાજસ્થાનની મળીને કુલ-૬ ટીમોએ ભાગ લીધો હતો.
સુરક્ષિત ખાદ્ય અભિયાનના અધ્યક્ષ સંજયભાઇ દવેએ સમગ્ર કવીઝ સ્પર્ધાનું સંચાલન કરી ફુડ પ્રોસેસીંગ અને તેની સાવચેતી-સલામતીને લગતા વિવિધ પ્રશ્નો કવીઝ સ્પર્ધા દરમિયાન પૂછયા હતા. જેના વિદ્યાર્થીઓએ ઉત્તર પાઠવ્યા હતા. સંજયભાઇ દવેએ રાષ્ટ્રમાં ફુડ સેફટી પ્રતિ વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જનજાગૃતિ આવે તેના પ્રતિ દરેક નાગરિકોનું આરોગ્ય જળવાઇ રહે તે પ્રતિ જાગૃતિ કેળવવાના ભાગરૂપે સમગ્ર દેશના વિવિધ વિભાગોમાં આવી કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
તેમણે આ ફુડ પ્રોસેસીંગ અને સેફટી પ્રતિ ગુજરાત રાજયમાં સારૂં કામ કરવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમિયાન અને અભ્યાસ બાદ સમાજમાં ફુડ પ્રોસેસીંગ અને સેફટી પ્રતિ જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે તેવી આશા વ્યકત કરી હતી. તેમણે આ કવીઝમાં ફાયનલ વિજેતા બનનાર ખાદ્ય સુરક્ષા અભિયાનના એમ્બેસેડર બને છે તેની જાણકારી આપી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. સી. પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કવીઝ સ્પર્ધામાં ગુજરાત અને રાજસ્થાનની ૬ ટીમોના ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ફુડ પ્રોસેસીંગ અને ટેકનોલોજી વિભાગે પ્રથમ સ્થાન મેળવેલ છે જે ટીમો જુદા જુદા રાજયોની ટીમો વચ્ચે યોજાનારી સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્ર કક્ષાએ અને ત્યારબાદ એશિયાના ૧૦ દેશોમાં પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. પટેલે ફુડ અને પ્રોસેસીંગ શિક્ષણમાં વર્તમાન સમયમાં ખાદ્ય સુરક્ષાનું મહત્વ વધી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ફુડ પ્રોસેસીંગ અને સેફટી પ્રતિ જાગૃત થાય અને સમાજને પણ આ ક્ષેત્રે જાગૃત કરે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર, ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, એડમીનીસ્ટ્રેટીવના નાયબ કમિશનર ડૉ. દિપીકાબેન ચૌહાણ, આણંદ કૃષિ યુનિવર્સિટીની ફુડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો-એનર્જી વિભાગના ડીન ડૉ. ડી. સી. જોષી, વિસ્તરણ અધિકારી અરૂણ પટેલ, પ્રાધ્યાપકો અન વિદ્યાર્થીઓએ હાજર રહીને કવીઝમાં ભાગ લઇ રહેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે અંતમાં કવીઝમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.