દેશભરના અશ્વોમાંથી ગુજરાતના અશ્વ અને તેમાંય વછેરીએ તેના શારિરીક શૌષ્ઠવની સાથે સુદરતા એટલે કે રુપમાં વૈશ્વક સ્પર્ધામાં બાજી મારીને ટોચનુસ્થાન મેળવ્યું છે.અશ્વપાલનની હોબી ધરાવતા અમદાવાદના દિગ્વિજયસિંહ રાણાની અઢી વર્ષની વછેરીના સૌદર્યએ મહારાષ્ટ્રમાં યોજયેલી સ્પર્ધામાં તમામનુ ધ્યાન ખેચીને સૌનુ મન મોહી લીધુ હતુ
મહારાષ્ટ્રના સારંગખેડામાં કાઠીયાવાડી અને મારવાડી ઘોડીઓની સુંદરતા સંદર્ભે અનોખી સ્પર્ધા યોજાઈ. 20મી ડિસેમ્બરે આયોજિત આ સ્પર્ધામાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં અશ્વપ્રેમીઓ તેમના અશ્વો સાથે આવી પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં કાઠિયાવાળી અશ્વની વછેરી કેટેગરીમાં અમદાવાદના ઉદ્યોગપતિ દિગ્વિજયસિંહ રાણા ના અશ્વ ગોલ્ડીએ સુંદરતા મામલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
દિગ્વિજયસિંહ રાણાએ જણાવ્યુ હતુ કે, સુંદર અશ્વોની આ સ્પર્ધાનું આયોજન મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે છેલ્લા 300 વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ – વિદેશથી જાણીતા અશ્વના જાણકારો જજ તરીકે હાજર રહેતા હોય છે. તેમના દ્વારા અશ્વના સુંદરતાના ધારાધોરણ મુજબ ક્રમાંક આપવામાં આવે છે. કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો તેના ચારેય પગમાં પટ્ટા જોવા મળે છે, તેનો ચહેરો પહોળો હોય છે, ખડતલ બાંધાના આ અશ્વોનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા – મહારાજાઓ દ્વારા યુદ્ધમાં કરાતો હતો. અન્ય અશ્વોની સરખામણીમાં કાઠિયાવાડી અશ્વના કાન નાના અને સુંદર હોય છે.
સુંદરતાના ધારાધોરણે દેશભરમાંથી પ્રથમસ્થાને આવેલી ગોલ્ડી હાલ અઢી વર્ષની છે. સામાન્ય રીતે કાઠિયાવાડી અશ્વનું આયુષ્ય 30 થી 35 વર્ષનું હોય છે. કાઠિયાવાડી અશ્વની કિંમત આશરે 10 લાખ રૂપિયા જેટલી હોય છે. જો કે આ પ્રકારની સ્પર્ધાઓના જીત્યા બાદ અશ્વની કિમતમાં અનેક ગણો વધારો થતો હોય છે. એક કાઠિયાવાડી અશ્વ રાખવાનો સામાન્ય ખર્ચ દર મહિને 15 હજાર રૂપિયા જેટલો થતો હોય છે. કાઠિયાવાડી ઘોડીઓની ઊંચાઈ સામાન્ય રીતે 57 થી 59 ઇંચ જેટલી જોવા મળતી હોય છે. પ્રથમ ક્રમાંકે આવવા બદલ ગોલ્ડીને રૂપિયા 51 હજારનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. તો વિજેતા થયા બાદ ગોલ્ડી માટે એક અશ્વપ્રેમીએ 21 લાખ રૂપિયા પણ ઓફર કર્યા હતા, પરંતુ શોખ ખાતર અશ્વ રાખતા ઉદ્યોગપતિએ નાણાની ઓફર ઠુકરાવી દીધી હતી.જો કે આખી સ્પર્ધામાં ગોલ્ડીના રૂપ અને કદને જોઇ સૌ મોહી પડ્યા હતા.
અશ્વની કેટેગરી વછેરીમાં દેશની સૌથી સુંદર એવી ગોલ્ડીના માલિક અમદાવાદના ઉદ્યોગપતિ દિગ્વિજયસિંહ રાણાનુ કઠવાડાના ભાવડા ગામે શિવ શક્તિ સ્ટર્ડ ફાર્મ છે. જેમાં 10 જેટલી અલગ અલગ પ્રકારના અશ્વ રાખવામાં આવ્યા છે. રાજપુત હોવાને નાતે તેમનુ કુુટુંબ વર્ષોથી અશ્વપાલનની હોબી ધરાવે છે. મારવાડી અશ્વોનો પણ સમાવેશ થાય છે. આ ફાર્મ હાઉસમાં અશ્વ તેમજ ગીર ગાય, ઘેટાં, સસલા, મરઘાં, સફેદ કબૂતર અને શ્વાન પણ જોવા મળે છે.