અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૫૪૨ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૮૦૫૧ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૩૨૨ કરોડ અને વિકાસના કામોમાં રૂ.૨૨૦ કરોડ મળીને કુલ રૂ.૫૪૨ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. વળી, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ શાસક પક્ષ દ્વારા શહેરમાં ફરી એકવાર વિકાસના કામોની મોટી અને ચૂંટણીલક્ષી જાહેરાતો કરી છે. જેમાં વિકાસના કામો માટે રૂ.૪૧૨૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. અમ્યુકોના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ અંગે માહિતી આપતાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો નોંધાય તેના પ્રયાસના ભાગરૂપે અમ્યુકો દ્વારા ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને કાર્બનના પ્રમાણમાં ઘટાડો થાય તેમ જ એરકવોલિટીમાં સુધારો થાય તે હેતુથી ૨૦૧૯-૨૦ દરમ્યાન ઇલેકટ્રીક વાહનોના આરટીઓ પાસીંગ વખતે વસૂલાતા આજીવન વાહનવેરામાં ૧૦૦ ટકાની મોટી રાહત આપવાનું નક્કી કરાયું છે. આ જ પ્રકારે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતાં ફીઝીયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં ૭૦ ટકા રિબેટ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જે ફીઝીયોથેરાપી સેન્ટર પબ્લીક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એનજીઓ દ્વારા પબ્લીક ચેરીટેબલ હેતુ માટે ચલાવવામાં આવતા હોય અને જેઓ ગરીબો અને સામાન્ય નાગરિકોને ફીઝીયોથેરાપી સારવાર-નિદાન નજીવા દરે પૂરી પાડતી હોય તેવી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્ષમાં ૭૦ ટકા રિબેટનો લાભ મળશે.
આ જ પ્રકારે, જે સંસ્થાઓ પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલ હોય અને જેઓ ગરીબ તેમ જ સામાન્ય વર્ગના નગરજનોને નજીવા દરે તબીબી સેવા પૂરી પાડતા હોય અને કોર્પોરેશનની બિલ્ડીંગનો આ સેવાઓ માટે ઉપોયગ કરતી હોય તેવી સંસ્થાને ૨૦૧૯-૨૦ ના વર્ષથી પ્રોપર્ટી ટેક્ષમાં ૭૦ ટકા રિબેટ આપવાનું ઠરાવાયું છે. તદુપરાંત, સૌપ્રથમવાર શહેરમાં ખનાગી માલિકીની જમીનમાં ધાર્મિક પ્રવચન-કથા જેવા કાર્યક્રમના આયોજન પ્રસંગે કાચા મંડપ ઉભા કરવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા લેવામાં આવતી કાચા મંડપની ફીમાં ધાર્મિક પ્રવચન-કથા જેવા કાર્યક્રમને માફી આપવાનું ઠરાવાયું છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ શહેરમાં જે વિકાસના કાર્યોની જાહેરાત કરાઇ છે, તેમાં વાડજ દાંડી ચોક ખાતે રૂ.૩૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ, નરોડા પાટિયા ફલાય ઓવરબ્રીજ, મણિનગર રેલ્વે ક્રોસીંગ રેલ્વે ઓવરબ્રીજ, શાહીબાગ ડફનાળા ફલાય ઓવરબ્રીજ, નરોડા સિનેમા ગેલેક્ષી સિનેમા ફલાય ઓવરબ્રીજ, વિનોબાનગર તથા વિવેકાનંદનગરને જાડતો લો-લેવલબ્રીજના વિકાસકામનું આયોજન કરાયું છે.
આ સિવાય, લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનસને હેરીટેજ થીમ સાથે ડેવલપ કરવા રૂ.પાંચ કરોડની જાગવાઇ, માણેકચોરક રિડેવલપમેન્ટ પ્લાન કલીન હેરીટેજ સ્ટ્રીટફુડ હબ માટે રૂ.પાંચ કરોડ, ઇન્ડર મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે રૂ.૧૦ કરોડ, એરિયા ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત લાંભા-બળિયાદેવ મંદિર વિસ્તાર ડેવલપમેન્ટ, લાંભા વિસ્તારના ૧૦ ગામતળ, વિકાસ, હેલ્થકલબ, લાયબ્રેરી, કરૂણા અભિયાન અને એનીમલ હોસ્ટેલ માટે રૂ.પાંચ કરોડ, પૂર્વ વિસ્તારમાં માઇક્રોલીંક પધ્ધતિથી સુએજમેઇન ટ્રન્ક લાઇન, પૂર્વમાં ઔદ્યોગિક ગૃહ સાથે સંકલન કરી રિસાયકલ વોટરના ઉપયોગ માટે રૂ.૧૦ કરોડ, ગોતા-ગોધાવી કેનાલ માટે રૂ. દસ કરોડ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ યોજના માટે રૂ. દસ કરોડ, શહેરના છ મોડેલ રોડ માટે રૂ.૩૦ કરોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ બોર્ડ તથા ઔડાની વસાહતોમાં સુવિધા માટે રૂ.દસ કરોડ, કાંકરિયા ઓપનએર થિયેટર ખાતે ઓડિટોરીયમ, પૂર્વ વિસ્તારમાં બંધ મીલની કપાત જગ્યામાં કોમ્યુનીટી હોલ, ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલ, વાસણા કોમ્યુનીટી હોલ અને વાતાનુકૂલિત નરોડા કોમ્યુનીટી હોલ નવીનીકરણ, શારદાબહેન હોÂસ્પટલના નવીનીકરણ માટે રૂ. દસ કરોડની જાગવાઇ કરવામાં આવી છે.