મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના આગામી પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવશે. રેલવે સ્ટેશનનો માત્ર કાલુપુર વિસ્તારનો ભાગ જ નહીં, સરસપુર અને પૂર્વ બાજુની પણ કાયાપલટ કરવામાં આવશે.
કાલુપુરમાં આવેલા સ્થાપત્યોને કારણે રેલવે સ્ટેશનની સંપૂર્ણપણે કાયાપલટ કરવી શક્ય નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, કાલુપુર બાજુ રેલવે સ્ટેશનનું સંપૂર્ણ રી-ડેવલોપમેન્ટ શક્ય નથી કારણકે ત્યાં ઐતિહાસિક ઈમારતો આવેલી છે. અધિકારીએ આગળ જણાવ્યું કે, જો ASI પ્લેટફોર્મ નંબર 2 પર શૌચાલયનું બાંધકામ અટકાવી શકે છે તો તે રેલવે સ્ટેશનના કાલુપુર વાળા ભાગના નવીનીકરણની મંજૂરી ક્યારેય નહીં આપે. માટે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્ટેશનનો પૂર્વ ભાગ એટલે કે સરસપુર બાજુના ભાગનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરસપુરમાં મેટ્રો સ્ટેશન પણ બનશે અને બુલેટ ટ્રેનનું પ્લેટફોર્મ પણ બનવાનું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાબરમતીથી શરુ થશે અને તેનું પહેલું સ્ટોપ સરસપુર હશે. મેટ્રો સ્ટેશનને કારણે સરસપુરનું મહત્વ ઘણું વધી જશે. ત્યાં બહુમાળી બાંધકામ કરવામાં આવશે, બુલેટ ટ્રેન માટેનું પ્લેટફોર્મ, ભારતીય રેલવેનું પ્લેટફોર્મ અને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે, એલિવેટર્સ પણ મુકવામાં આવશે.
રેલવે સ્ટેશનના કાલુપુર વાળા ભાગની વાત કરીએ તો ત્યાં શહેરના હેરિટેજને ધ્યાનમાં રાખીને નવીનીકરણ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમુક બાહ્ય સુધારાઓ સિવાય આ બાંધકામમાં વધારે ફેરફાર શક્ય નથી.