અમદાવાદ : યુનેસ્કો દ્વારા શહેરને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું તેના પહેલાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા હેરિટેજ મકાન ધરાવતા નાગરિકો પોતાના મકાનનું જૂની શૈલીએ રિપેરિંગકામ હાથ ધરવા ઉત્સાહિત થાય તે આશયથી ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ સર્ટિફિકેટ (ટીડીઆર) આપવાની જાહેરાત કરાઇ હતી. શહેરના હેરીટેજ મકાનોની જાળવણી માટે હવે અમ્યુકો તંત્ર આવા મકાનમાલિકો કે મકાનધારકોના ઘરઆંગણે જઇ તેઓને આ વાત માટે પ્રોત્સાહિત કરશે અને સમજાવશે.
અલબત્ત, વધુ ને વધુ હેરિટેજ મકાનધારકો ટીડીઆર સર્ટિફિકેટ લેવા પ્રેરાય તે દિશામાં તંત્ર અત્યાર સુધી ખાસ ગંભીર ન હતું, પરંતુ ગઇકાલે મળેલી અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટની બેઠકમાં હેરિટેજ મકાનની જાળવણી માટે તંત્ર દ્વારા લોકોના આંગણે જવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં આશરે રપ૦૦થી વધુ હેરિટેજ મકાન છે. કોટ વિસ્તારમાં આવેલા કાષ્ઠશૈલીના આવા પરંપરાગત મકાનના કારણે અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
બીજી તરફ હેરિટેજ મકાનની જાળવણીના મામલે સત્તાવાળાઓએ ટીડીઆર યોજના દાખલ કરીને તેમાં વધુ ને વધુ હેરિટેજ મકાનધારકો રસ લે તે મામલે ખાસ સક્રિયતા દાખવી ન હતી, પરંતુ હવે તંત્ર દ્વારા હેરિટેજ મકાનધારકોમાં જાગૃતિ લાવવા ટૂંક સમયમાં કેમ્પ યોજાશે. હેરિટેજ સિટી ટ્રસ્ટના ડાયરેકટર આશિષ ત્રંબાડિયાને આ અંગે વધુમાં પૂછતાં તેમણે જણાવ્યું કે, હેરિટેજ મકાનધારક માલિકીના દસ્તાવેજ, રિપેરિંગનો પ્લાન, પ્રોપર્ટી ટેક્સની ભરપાઇની રસીદ તંત્ર સમક્ષ રજૂ કરીને ૬૦ ટકા ડીટીઆર સર્ટિફિકેટ મેળવવાની દિશામાં આગળ વધી શકે છે. હેરિટેજ મકાનધારકને પોતાના મકાનના રિપેરિંગ માટે તંત્ર જરૂરી ટેકનિકલ સહાય આપશે, જોકે પ્લાન મુજબના રિપેરિંગકામનું હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા સ્થળતપાસ કરાયા બાદ હેરિટેજ મકાનધારકને બાકીના ૪૦ ટકા એટલે કે સો ટકા ટીડીઆર સર્ટિફિકેટ અપાશે. બાદમાં ટીડીઆર સર્ટિિફકેટધારક મળેલી વધારાની એફએસઆઇ વેચીને આર્થિક લાભ મેળવી શકે છે અથવા તો મ્યુનિસિપલ હદ વિસ્તારમાં આવેલા પોતાના પ્લોટમાં મકાનના નિર્માણમાં વધારાનો એક માળ ચણી શકે છે.
અત્યાર સુધી અપાયેલી ટીડીઆર સર્ટિફિકેટમાં એક સર્ટિફિકેટધારકે તેનું બિલ્ડરને વેચાણ કર્યું છે જ્યારે પાંચ કિસ્સામાં તેને યથાવત્ જાળવી રખાયાં છે. ત્યારબાદ વધુ પાંચ અરજી હેરિટેજ વિભાગને મળી હોઇ તેને એસ્ટેટ વિભાગમાં આગળની પ્રક્રિયા માટે રવાના કરાઇ છે. ટીડીઆર કેમ્પથી હેરિટેજ મકાનધારકોમાં પોતાના મકાનની જાળવણી માટેનો ઉત્સાહ વધશે. આ ઉપરાંત હેરિટેજ મકાન પર ગ્રેડેશન મુજબ હેરિટેજ પ્લેટ લગાવવા માટે રૂ.૧ર.પ૦ લાખની મર્યાદામાં ટેન્ડર પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.