રાજયના ઉદ્યોગોની જીપીસીબી અને જીઆઇડીસીને લગતી ૧૨ જેટલી પડતર માંગ અંગે
જાહેરાત કરાઇ, મુખ્યમંત્રીનુ ઉદ્યોગોએ અભિવાદન કર્યુ
અમદાવાદ: ગુજરાતમાં વધુ ઉદ્યોગ આવે વધુ રોકાણ થાય વ્યાપક રોજગારી મળે તે માટે ઉદ્યોગોનો પ્રશ્નોનાં નિકાલ અંગે ખાસ પગલાંની જાહેરાત કરતાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજયમાં રેડ ટેપીઝમ નહીં રેડ કારપેટીઝમથી રાજ્યને ઉદ્યોગ ઉત્પાદન અને રોજગાર સર્જનમાં અગ્રેસર બનાવવાની પ્રતિબદ્ધ છીએ અને રાજયમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક સ્તર ઉપર જઇને ફિલ ઓફ ડુઇંગ બિઝનેસનુ વાતાવરણ રાજયમાં સર્જાયુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના ઉદ્યોગોની જીપીસીબીને સ્પર્શતી જાહેરાતો કરી હતી, તેમાં GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ –EC મેળવનારા ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો. રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ”થી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. જેનો રાજ્યમાં દર વર્ષે આશરે લગભગ ૧,૦૦૦ ઉદ્યોગોને સીધો લાભ મળશે.
જુદીજુદી ડાઇઝસ્ટફ પ્રોડક્ટને તેના ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણની નીતિ અમલમાં મૂક્વાની જાહેરાત કરતાં રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ડાઈઝનું ઉત્પાદન કરતા ૧,૦૦૦ જેટલા ઉદ્યોગો કાર્યરત છે. ડાઇઝનો પ્રકાર બદલવા માટે ઉદ્યોગે બોર્ડની મંજૂરી લેવી પડે છે. જેના માટે ૩ થી ૬ માસનો સમય લાગતો હતો. રાજય સરકારની આ યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે. જેના થકી ૭૦૦ ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થનાર છે. જેનાથી ૨૦૦૦-૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ વહેલું થશે. આશરે ૫૦ હજાર લોકોને સીધી રોજગારી મળશે.
નરોડા એન્વાયરો પ્રોજેકટ લિમીટેડના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ડાયસ્ટફ ઉત્પાદકોની જુની માંગ જેમ કે તેને જેતે કલરના ઉત્પાદનમાં બદલાવ લાવવો હોય તો, મંજુરી લેવા જવું પડતું હતું તે બાબતે કરેલી જાહેરાત આવકાર્ય છે.
ગુજરાત ડાયસ્ફ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ પરીખે જણાવ્યું હતું કે, GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ-EC મેળવનારા ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે. બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો જેમાં બચત થશે અને પ્રોજેકટ ઝડપથી અમલમાં મુકાશે.
GPCB દ્વારા સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલની અરજીના નિર્ણયનો સમયગાળો ૪૫ દિવસથી ઘટાડી ૩૦ દિવસ કરવામાં આવ્યો છે. GPCB દ્વારા રાજયમાં વાર્ષિક આશરે ૫,૦૦૦ એકમોને સીટીઈ ફ્રેશ અને સીસીએ રીન્યુઅલ આપવામાં છે. આ મંજૂરી આપતા આશરે ૪૫ થી ૬૦ દિવસનો સમયગાળો સામાન્ય રીતે થાય છે. આ નિર્ણયથી ૫,૦૦૦ એકમોને સીધો લાભ મળશે. GPCBની કામગીરીની પારદર્શીતા અને ઝડપમાં વધારો થશે અને મંજુરી ૩૦ દિવસમાં મળશે.
GPCB દ્વારા આપવામાં આવતી કન્સેંટની મુદતના (વેલીડીટીમાં) વર્ષોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તેમાં GPCB દ્વારા ઉદ્યોગોને ૦૫, ૦૭ અને ૧૦ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવે છે. આ નવા નિર્ણયથી ઉદ્યોગને ૫, ૧૦, અને ૧૫ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવશે. જેથી ઉદ્યોગને વારંવાર મંજુરી લેવા આવવું ના પડે. અંકલેશ્વરમાં ૫ MLD અને પાનોલીમાં ૧ MLD ની ઔદ્યોગિક ગંદા પાણીના ડિસ્ચાર્જની નવી મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર અને પાનોલી વિસ્તારોમાં છેલ્લાં દસ વર્ષમાં સીઈટીપીની કાર્યક્ષમતા અને ગંદા પાણીના નિકાલના પ્રશ્નોના કારણે ડિસ્ચાર્જની નવી મંજૂરી આપવામાં આવતી ન હતી.
છેલ્લા એક દાયકાથી પડતર આ માંગણી રાજ્ય સરકારે ઉકેલી છે.
વેરાવળથી વાપીના ઓદ્યોગિક પાણીનો દરિયામાં નિકાલ કરવા ૫૦૦૦ કરોડનો પ્રોજેકટ
રાજયના દરિયાકિનારે આવેલા વેરાવળ થી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક પાણીના Deep Sea Discharge માટે રાજય સરકારે નવો પ્લાન બનાવ્યો છે. આ આયોજન પાછળ ૫૫૦૦ કરોડ જેટલું રોકાણ થશે. અને આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ પહેલાં આ અંગે પોલીસી જાહેર કરવામાં આવશે.
રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં જાહેરાત કરી હતી કે, વેરાવળથી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક ગંદાપાણીના Deep Sea Discharge માટે રૂ.૫,૫૦૦ કરોડની સંકલિત યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા ઘોષિત કરવામાં આવશે. ઊદ્યોગો પોતાના દ્વારા થતા ગંદા પાણીના શુધ્ધિકરણ અને યોગ્ય નિકાલ કરે તેવી સામાજીક જવાબદારી આનાથી અદા કરી શકશે.
આ નિર્ણયથી આ વિસ્તારમાં આશરે ૨૦૦ જેટલા નવા ઉદ્યોગો કે હયાત ઉદ્યોગો ઔદ્યોગિક વિસ્તરણ કરી શકશે. જેનાથી રાજ્યમાં સીધુ રૂ. ૧,૦૦૦ કરોડનું મૂડી રોકાણ અને ૫૦,૦૦૦ રોજગારીની નવી તકો ઉભી થશે.
રાજ્યમાં ઉદ્યોગોના શુધ્ધિકરણ કરેલ ગંદાપાણીનો નિકાલ મુખ્યત્વે નદીમાં થાય છે. જેના માટે વેરાવળથી વાપી સુધી Deep Sea Discharge પાઇપલાઇન નાખવાની યોજના સાકાર થતા નદીઓનું પ્રદુષણ દુર થશે. અંકલેશ્વરમાં પાંચ 5 એમ.એલ.ડી અને પાનોલીમાં 1એમ.એલ.ડી.ની ઔદ્યોગિક ગંદા પાણીની નવી મંજૂરી આપવાનું શરૂ કરવામાં આવી છે . જેથી તેમનું વિસ્તરણ કરી શકશે આ માંગણી છેલ્લા એક દાયકાથી પડતર હતી .