અમદાવાદ: સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન તાપી નદીને શુદ્ધ કરવાની રૂ. ૯૯૦ કરોડની મહાકાય યોજાનામાં રાજય સરકાર દ્વારા એકશન પ્લાનની આખરે જાહેરાત કરવામાં આવી છે. તાપી શુધ્ધિકરણ યોજનામાં સાત વર્ષના લાંબા ગાળા બાદ હવે સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવવાનો આદેશ મહેસૂલ મંત્રીએ આપ્યો છે. આજે સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. મહેસૂલ મંત્રી અને સુરતના પ્રભારી મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ યોજનાના નોડલ ઓફિસર તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનરને નીમવામાં આવ્યા છે. જે બે ત્રણ દિવસમાં જ એક્શન પ્લાન તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપશે. આ યોજના રૂ. ૯૯૦ કરોડના ખર્ચે સાકાર થશે. જેમાં ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે જ્યારે ૨૦ ટકા રાજ્ય સરકાર અને ૨૦ ટકા સુરત મહાનગરપાલિકા આપશે.
આ રીતે રૂ. ૯૯૦ કરોડના ખર્ચે તાપીને શુદ્ધ કરાશે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદીમાં આ ક્ષેત્રના શહેરોની ગંદકી હાલ ઠાલવવામાં આવે છે તેનો નિકાલ થશે, તે બંધ કરી દેવાશે. એ ઉપરાંત જે જગ્યાએ ઊંડી કરવાની જરૂર પડશે ત્યાં ઊંડી કરાશે. ઉપરાંત, ઓએનજીસી બ્રીજ નજીક કોઝ-વે પણ બનાવાશે. આ સહિતની અનેક પ્રકારની કામગીરી કરવામાં આવશે.
જેમાં સરકારના જે પણ વિભાગની જરૂર જણાય તે તમામ સંકલનમાં રહી ત્વરિત ગતિએ કામ પૂરું થાય તેવી રીતે કામગીરી કરે તેવી ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી. આ બેઠકમાં કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિ. કમિશનર થૈન્નારેશન, બન્ને સાંસદો અને મોટા ભાગના ધારાસભ્યો હાજર રહ્યા હતા. તાપી શુદ્ધિકરણ અભિયાનમાં છેલ્લાં પ વર્ષથી સતત મહેનત કરનારા મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ધારદાર રજૂઆતો કરી હતી. જેને પગલે આખરે રાજય સરકારે તાપીના શુધ્ધિકરણના એકશન પ્લાનની આજે જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં જ સમગ્ર પ્રોજેકટની રૂપરેખા તૈયાર કરી દેવાશે અને તાબડતોબ અમલવારી શરૂ કરાશે.