ગુજરાત સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સહાય ચુકવવાની મોટી જાહેરાત કરી હતી. આની સાથે જ ગુજરાતના ૧૭ લાખથી વધુ ખેડૂતોને મોટી રાહત થશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના મંત્રી આરસી ફળદુ એ જાહેરાત કરી કે, આગામી એક સપ્તાહમાં ગુજરાતના ૧૭ લાખ ખેડૂતોને નુકસાની સામેનું પેમેન્ટ કરી દેવામાં આવશે, તેમજ મગફળી વેચતા ખેડૂતોને પણ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે. ૨૫મી ડિસેમ્બરથી ખેડૂતોને રાહતપેકેજ અંતર્ગત સહાય ચૂકવવાનું રાજ્ય સરકાર શરૂ કરશે જે અંતર્ગત નિર્ણય લેવાયો કે, ખેડૂતોને નુકસાનના હિસાબથી સરવે મુજબ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. તેમાં ૩૭૯૫ કરોડની સહાય આપવાનો નિર્ણય થયો. ૧૭ લાખ ખેડૂતોએ એપ્લિકેશન કરી છે. નિર્ણય લેવાયો કે, આગામી સપ્તાહમાં રાહત પેકેજ અંતર્ગત ૧૭ લાખ ખેડૂતોને પેમેન્ટ કરી દેવા. ૧૭ લાખ ખેડૂતોના એકાઉન્ટમાં નાણા જમા કરાવાશે.
ખેતીવાડી અને રેવન્યુ વિભાગ બાકીની કામગીરી પૂરી કરીને અંદાજે ૨૫ ડિસેમ્બરે અટલજીના જન્મદિને તમામ કામગીરી પૂરી થઈ ગઈ હશે, અને પેમેન્ટની પ્રોસેસ હાથ ધરાશે. તો બીજી તરફ, ૪૦ લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તે મામલે રાજ્ય સરકારની સહાય લેવા અનેક ખેડૂતો માગતા ન હોવાનો દાવો રાજ્યના કૃષિ મંત્રીએ કર્યો છે.
તેમજ ખેડૂતોની નોંધણી માટે જરૂર લાગશે તો સમય લંબાવવામાં આવશે અને ઓનલાઈન અરજી કરવા માટે ૩૧મી તારીખે મુદત પૂરી થાય છે તેમાં મુખ્યમંત્રીની મંજૂરી લઈને જરૂર પડશે તો મુદત લંબાવીશું તેવું કહ્યું છે.
હાલ રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, તે મામલે તેમણે કહ્યું કે, ૧ લાખ ૭૩ હજારની મગફળી ખરીદાઈ છે. ચારેબાજુથી ખેડૂતોને પેમેન્ટ મળે તેવી રજૂઆતો કરાતી હતી. બે દિવસમાં નાફેડને મગફળી વેચનાર ખેડૂતોને રૂપિયા મળી જશે.
૨૩ કરોડ જેટલી રકમ બે દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. બાકીનું પેમેન્ટ જલ્દી થાય તેવી સૂચના અપાઈ છે. તેમજ સૂઈ અને વાવના ૧૪-૧૫ તાલુકામાં તીડના આતંક સામે ખેતરોનું સરવે કરીને અહેવાલ અપાશે તેઓને પણ સરકાર સહાયરૂપ થશે. તો પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટમાં મગફળી ખરીદીમાં ગેરરીતિના મામલે ખુલાસો કર્યો કે, એક લાખ ૭૧ હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ છે. આમ, ૧૫૦ કરોડની મગફળી ખરીદાઈ છે. જેમાં ૩૩ કરોડનું પેમેન્ટ ચૂકવાયું છે. મગફળી ખરીદીમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગનો અધિકારી કે માર્કેટયાર્ડનો કોઈ પણ કર્મચારી સંડોવાયેલો નથી. અને જો રાજકોટના સ્ટીંગ ઓપરેશન દેશમાં કોઇ પણ અધિકારી સંડોવાયેલો હશે તો છોડવામાં નહિ આવે.